પાંચ વર્ષથી ન્યાય માટે ભટકતી મહિલાનો આક્રોશ, આરોપી દેશ છોડીને ભાગી ગયો? પોલીસ શું કરતી હતી? ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ મથકે નોંધાયેલા ગંભીર ગુનામાં મુખ્ય આરોપીની પાંચ વર્ષ સુધી ધરપકડ ન થતાં હવે સમગ્ર પોલીસ તંત્ર સામે સવાલો ઊભા થયા છે. આમોદના એક વિસ્તારમાં રહેતી પરિણીતાએ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને કરેલી લેખિત ફરિયાદમાં સીધો આક્ષેપ કર્યો છે કે, FIR ગુના રજીસ્ટર નં. 11199039210405 ના મુખ્ય આરોપી હુસેન ઐયુબ દિવાનને ઈરાદાપૂર્વક બચાવવામાં આવ્યો છે. અને જવાબદાર પોલીસ કર્મચારીઓએ ફરજમાં ગંભીર બેદરકારી દાખવી છે. ફરિયાદ મુજબ, પરિણીતા છેલ્લા પાંચ વર્ષથી ન્યાય મેળવવા માટે પોલીસ સ્ટેશન, કોર્ટ અને સરકારી કચેરીઓના ધક્કા ખાઈ રહી છે, છતાં આરોપી સામે કોઈ અસરકારક કાર્યવાહી થઈ નથી. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેનો પતિ અને કેસનો મુખ્ય આરોપી હુસેન ઐયુબ દિવાન લાંબા સમયથી વિદેશમાં રહી કાયદાની પકડથી બચતો રહ્યો છે. કોર્ટ દ્વારા પાઠવવામાં આવેલી નોટિસોની પણ વારંવાર અવગણના કરવામાં આવી હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. ફરિયાદમાં વધુ ગંભીર ખુલાસો એ થયો છે કે, લગભગ બે મહિના પહેલાં આરોપી સાઉદી અરેબિયાથી પોતાના વતન ટંકારિયા ગામે આવ્યો હોવાની વિશ્વસનીય માહિતી મહિલાને મળી હતી. આ અંગે 10 માર્ચ 2026ના રોજ પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરીને આરોપીની તાત્કાલિક ધરપકડ, પાસપોર્ટ જપ્તી અને Look Out Circular જાહેર કરવાની માંગ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ પાલેજ પોલીસે તપાસ કરી આરોપી વિદેશથી આવ્યો જ ન હોવાનું જણાવ્યું હતું. પરંતુ સ્થાનિક લોકો અને મહિલાના શુભેચ્છકો પાસેથી મળેલી માહિતી મુજબ આરોપી ખરેખર ટંકારિયા આવ્યો હતો અને પોતાના ઘરમાં સંતાઈને રહેતો હતો. એટલું જ નહીં, પોલીસે તેના સંપર્કમાં આવી હોવા છતાં કાયદેસરની કાર્યવાહી કર્યા વગર તેને છોડી દીધો હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ અનુસાર, જો આ સમગ્ર મામલો સાચો હોય તો તે માત્ર બેદરકારી નહીં પરંતુ ન્યાયિક પ્રક્રિયા સાથેનો ગંભીર ચેડો ગણાય. એક તરફ પીડિત મહિલા વર્ષો સુધી ન્યાય માટે ભટકે અને બીજી તરફ મુખ્ય આરોપી સરળતાથી દેશ છોડીને સાઉથ આફ્રિકા ભાગી જાય, તો તે પોલીસ તંત્રની કામગીરી અને કાયદા વ્યવસ્થાની વિશ્વસનીયતા સામે ગંભીર પ્રશ્નચિહ્ન ઉભું કરે છે.
ટ્રિપલ તલાકનો પ્રથમ કેસ…છતાં વર્ષો બાદ પણ ન્યાય અધૂરો! પાલેજ પોલીસની કામગીરી સામે ઉઠ્યા ગંભીર સવાલો! પરિણીતાએ પોલીસ અધિક્ષક સમક્ષ અનેક માંગણીઓ મૂકી છે. જેમાં સમગ્ર પોલીસ કાર્યવાહી અંગે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ, ટંકારિયા તથા આસપાસના CCTV ફૂટેજની તપાસ, આરોપીના ભારત પ્રવેશ અંગે ટેક્નિકલ અને દસ્તાવેજી ચકાસણી, જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કડક વિભાગીય કાર્યવાહી તેમજ આરોપી સામે LOC, પાસપોર્ટ જપ્તી અને ઇમિગ્રેશન એલર્ટ જેવી તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સામેલ છે. પીડિત મહિલાએ પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, સતત કોર્ટ-કચેરીઓના ધક્કા, સામાજિક અપમાન, આર્થિક બોજ અને માનસિક ત્રાસના કારણે તેનું જીવન અત્યંત દુષ્કર બની ગયું છે. જો મુખ્ય આરોપી સામે કાર્યવાહી જ નહીં થાય તો પીડિત મહિલાનો કાયદા અને ન્યાય વ્યવસ્થા પરથી વિશ્વાસ કેવી રીતે ટકી રહેશે? એવો સવાલ ઉઠાવી મહિલાએ સમગ્ર મામલે તાત્કાલિક અને કડક પગલાં લેવા માંગ કરી છે. અત્રે નોંધનીય છે કે ગત તારીખ 11/08/2021ના રોજ પાલેજ પોલીસ મથકે ટ્રિપલ તલાક સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. વધુ ચોંકાવનારી બાબત એ છે કે ટ્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યા બાદ ભરૂચ જિલ્લામાં નોંધાયેલો આ પ્રથમ કેસ હતો. છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં પીડિત મહિલાને આજદિન સુધી ન્યાય મળી શક્યો નથી, જે પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરી રહ્યું છે. કાયદાનો ડર બતાવી મોટી મોટી વાતો કરનાર તંત્ર આ કેસમાં સંપૂર્ણપણે નિષ્ક્રિય રહ્યું હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. જો કાયદો હોવા છતાં પીડિત મહિલાને વર્ષો સુધી ન્યાય ન મળે તો પછી આવા કાયદાઓનો અર્થ શું? પોલીસની ઢીલી કામગીરી અને કાર્યવાહી પ્રત્યેની ઉદાસીનતા હવે ખુલ્લેઆમ સામે આવી રહી છે.
આરોપી વિદેશમાં એટલે કાયદો બેઅસર? વર્ષો સુધી પીડિતા ન્યાય માટે ભટકતી રહી, પીડિત મહિલા ન્યાયથી વંચિત!! આ સમગ્ર મામલે હવે લોકોમાં અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે. સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આરોપી વિદેશમાં હોવાના કારણે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકતી નથી? જો એવો જ નિયમ હોય તો પછી કાયદાની જોગવાઈઓ અને પોલીસ તંત્રની કામગીરી પર ગંભીર પ્રશ્નચિહ્ન ઊભું થાય છે. લોકોમાં એવી પણ ચર્ચાઓ વહેતી થઈ છે કે શું પ્રભાવશાળી અથવા વિદેશમાં રહેલા આરોપીઓ માટે કાયદો અલગ રીતે કામ કરે છે? વર્ષો સુધી કેસ લટકતો રહે અને પીડિત મહિલા ન્યાય માટે દરવાજે દરવાજે ભટકતી રહે, તે કાયદા અને તંત્ર બંને માટે શરમજનક સ્થિતિ ગણાઈ રહી છે. હવે લોકો માંગ કરી રહ્યા છે કે, પોલીસ તંત્ર ખુલાસો કરે કે આખરે આરોપી સામે કાર્યવાહી અટકી કેમ છે? અને જો આરોપી વિદેશમાં હોય તો તેને કાયદાની પકડમાં લાવવા માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા છે? હવે સૌથી મોટો સવાલ એ ઊભો થયો છે કે પરિણીતાએ એસ.પી. સમક્ષ કરેલી ફરિયાદની ખરેખર નિષ્પક્ષ તપાસ થશે ખરી? વર્ષો સુધી ન્યાય માટે ધક્કા ખાતી મહિલાની વ્યથા સાંભળવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તંત્ર આગળ આવશે કે પછી આ ફરિયાદ પણ ફાઇલોના ઢગલા નીચે દબાઈ જશે? લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયા બાદ પણ વર્ષો સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થાય તો સામાન્ય મહિલાને ન્યાયની આશા ક્યાંથી મળશે? હવે નજર પોલીસ તંત્ર અને ઉચ્ચ અધિકારીઓ પર ટકેલી છે કે શું તેઓ આ મામલે પારદર્શક તપાસ કરી પીડિત મહિલાને ન્યાય અપાવશે કે પછી ફરી એકવાર સત્તા અને પ્રભાવશાળી લોકો સામે કાયદો બેજાન સાબિત થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com