Geo Gujarat News

વાગરા પંથકમાં મોડી રાત્રે વાવાઝોડા સાથે કમોસમી વરસાદ, અનેક વિસ્તારોમાં વીજળી ગુલ, કન્ટ્રક્શન સાઇટ પર મોટું નુકસાન

વાગરા તાલુકા સહિત સમગ્ર ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને વાવાઝોડા સાથે ત્રાટકેલા કમોસમી વરસાદને કારણે સમગ્ર પંથક પાણી-પાણી થઈ ગયો હતો. ઉનાળાના અસહ્ય ઉકાળા બાદ અચાનક આવેલા આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી ગઈ હતી, પરંતુ તેની સાથે જ ગ્રામજનોને અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. રાત્રીના સમયે ફૂંકાયેલા જોરદાર પવન અને ગાજવીજ સાથે તૂટી પડેલા વરસાદને કારણે તાલુકાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. અને સમગ્ર પંથક અંધારપટમાં ડૂબી ગયો હતો. આ ઉપરાંત, ભારે પવનના લીધે ઈન્ટરનેટના કેબલો તૂટી જવાના બનાવો પણ સામે આવ્યા હતા, જેના કારણે સંચાર વ્યવસ્થાને માઠી અસર પહોંચી હતી. વરસાદનું જોર એટલું હતું કે વાગરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કમોસમી વરસાદના કારણે આ વિસ્તારમાં નાનું-મોટું મોટું નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે. ખાસ કરીને વાગરામાં વિવિધ સ્થળોએ ચાલી રહેલી કન્ટ્રક્શન સાઇટ પર ભારે નુકસાની સર્જાઈ હતી, જ્યાં ખુલ્લામાં રાખેલો સિમેન્ટનો મોટો જથ્થો વરસાદી પાણીમાં પલળી જતાં બગડી ગયો હતો. આમ, અકાળે આવેલા આ વરસાદે ક્યાંક ગરમીથી રાહત આપી તો ક્યાંક નુકસાનીનું વળતર ચૂકવવાનો વારો લાવ્યો હતો.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!