વાગરા શહેરના અતિ-વ્યસ્ત બજાર વિસ્તારમાં આવેલ ચીમન ચોક પાસે મંગળવારે એક અનોખી ઘટના સામે આવી હતી. અહીં રસ્તા કિનારે મોબાઈલની વિવિધ એસેસરીઝથી ભરેલી એક મોટી ઝમ્બો બેગ બિનવારસી હાલતમાં મળી આવતાં લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. શરૂઆતમાં બેગમાં શું છે તે અંગે ઉત્સુકતા જોવા મળી હતી, પરંતુ બેગ ખોલતાં તેમાં મોટી સંખ્યામાં મોબાઈલ એસેસરીઝ જોવા મળતાં લોકોમાં તેને મેળવવાની હોડ મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ બેગમાંથી હેન્ડસફ્રી, ઈયરબર્ડ, પાવર બેંક, મોબાઈલ ચાર્જર, વિવિધ કંપનીઓના મોબાઈલ કવર, સ્ક્રીનગાર્ડ સહિતની અનેક વસ્તુઓ મળી આવી હતી. કોઈ માલિક કે જવાબદાર વ્યક્તિ સ્થળ પર હાજર ન હોવાથી લોકો પોતાની રીતે સામાન ઉપાડી જવા લાગ્યા હતા. થોડા જ સમયમાં બેગમાં રહેલી મોટાભાગની એસેસરીઝ લોકો ઉઠાવી ગયા હતા.
ઘટનાને લઈને બજાર વિસ્તારમાં ભારે ચર્ચા જાગી હતી. કેટલાક લોકો આ બેગ કોઈ વેપારીની ભૂલથી રહી ગઈ હોવાની અટકળો લગાવી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો તેને શંકાસ્પદ પરિસ્થિતિ સાથે પણ જોડી રહ્યા છે. જોકે, બેગ કોણની હતી અને તે ત્યાં કેવી રીતે પહોંચી તે અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ચીમન ચોક જેવા ધમધમતા વિસ્તારમાં બનેલી આ ઘટનાએ લોકોમાં ભારે કુતુહલ સર્જ્યું હતું. બિનવારસી બેગ મળતાં જ લોકો દ્વારા સામાન મેળવવા માટે પડાપડી અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર થોડા સમય માટે ચર્ચાનું કેન્દ્ર બની ગયો હતો. હાલ આ બેગના મૂળ માલિકને શોધવા અને સમગ્ર ઘટનાની હકીકત જાણવા લોકો આતુર બન્યા છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com