વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત નીલકંઠ એન્વાયરો પ્રોજેક્ટ CTS Pvt. Ltd. પ્રદૂષણ મુદ્દે ચર્ચાના કેન્દ્રમાં આવી છે. કંપનીની ચીમનીમાંથી મોટા પ્રમાણમાં ગાઢ અને અત્યંત દુર્ગંધયુક્ત ધુમાડાના ગોટેગોટા હવામાં છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં જાણે પ્રદૂષણની ચાદર પથરાઈ ગઈ હોય તેવો નજારો સર્જાયો હતો. આ ઘટનાને કારણે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ ગઈ છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચીમનીમાંથી નીકળતા ધુમાડાના કારણે હવામાં અસહ્ય દુર્ગંધ પ્રસરી ગઈ હતી. અનેક લોકોને શ્વાસ લેવામાં તકલીફ, ગળામાં બળતરા અને આંખોમાં ચુભતા દુખાવાની ફરિયાદો ઊભી થઈ હતી. પ્રદૂષણના કારણે લોકો ઘરની બહાર નીકળવામાં પણ અચકાટ અનુભવતા હતા. સમગ્ર વિસ્તારમાં વાયુ પ્રદૂષણનો માહોલ સર્જાતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ મામલે કંપની મેનેજમેન્ટનો સંપર્ક કરવામાં આવતા તેઓએ દાવો કર્યો હતો કે તેઓએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવી છે અને નિયમ મુજબ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે આ નિવેદન બાદ લોકોમાં અનેક સવાલો ઊભા થયા છે. જો ખરેખર પરવાનગી આપવામાં આવી હોય તો શું પર્યાવરણ અને માનવ આરોગ્યને અસર પહોંચાડે તેવા ધુમાડા છોડવાની પણ મંજૂરી આપવામાં આવી છે? આ મુદ્દે અનેક ચર્ચાઓ અને પ્રશ્નો ઉઠી રહ્યા છે.
પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોમાં એવી લાગણી જોવા મળી રહી છે કે, ઉદ્યોગોના આર્થિક હિતો સામે સામાન્ય લોકોના આરોગ્ય અને પર્યાવરણને ગૌણ ગણવામાં આવી રહ્યા છે. જો ઉદ્યોગો મનફાવે તેમ પ્રદૂષણ છોડતા રહેશે અને નિયામક તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી સુધી મર્યાદિત રહેશે તો આવનારા સમયમાં સમગ્ર ઔદ્યોગિક પટ્ટામાં વાયુ પ્રદૂષણની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે, GPCB અને જિલ્લા તંત્ર તાત્કાલિક સ્થળ તપાસ કરી ચીમનીમાંથી છોડવામાં આવેલા ધુમાડાના નમૂનાઓનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરાવે અને જો નિયમોના ભંગની હકીકત સામે આવે તો કંપની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે. માત્ર પરવાનગીના નામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવાની કોઈને છૂટ હોવી જોઈએ નહીં. જો સમયસર કડક પગલાં નહીં ભરાય તો હવામાં ફેલાતું આ ઝેરી પ્રદૂષણ માત્ર આજની સમસ્યા નહીં રહે, પરંતુ આવનારી પેઢીઓ માટે પણ ગંભીર આરોગ્ય સંકટ અને પર્યાવરણીય વિનાશનું કારણ બની શકે છે. હવે સૌની નજર GPCB અને જવાબદાર તંત્રની કાર્યવાહી પર ટકેલી છે કે, તેઓ પ્રદૂષણ ફેલાવનારા તત્વો સામે ખરેખર તવાઈ બોલાવે છે કે, પછી સમગ્ર મામલો માત્ર કાગળો સુધી જ સીમિત રહી જાય છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com