વાગરા ગામના મુખ્ય તળાવમાં એક અજાણી વ્યક્તિ ડૂબી ગઈ હોવાની આશંકાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. વાગરાની જુમ્મા મસ્જિદ સામે આવેલા તળાવના કિનારે શંકાસ્પદ સંજોગોમાં ચપ્પલ મળી આવતા સ્થાનિકોમાં ભારે કુતૂહલ અને ચિંતા ફેલાઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, તળાવના કિનારે મળી આવેલી ચપ્પલના આધારે સ્થાનિક લોકો દ્વારા એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ડૂબનાર વ્યક્તિ કચરો વીણવાનું અથવા તો મજૂરી કામ કરનાર હોઈ શકે છે. જોકે, ડૂબનાર વ્યક્તિની ઓળખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ઘટનાની જાણ થતાં જ આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્ર થઈ ગયા હતા. ઘટનાસ્થળે ભારે ભીડ જામતા સ્થિતિ પર નજર રાખવા સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક દોડી આવી હતી.
પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડ અને બચાવ ટીમને સ્થળ પર બોલાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તળાવમાં સંભવિત રીતે ડૂબી ગયેલી વ્યક્તિની શોધખોળ માટે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. ઘટનાને લઈને ગામમાં અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓએ જોર પકડ્યું છે. હાલ તમામની નજર બચાવ કામગીરી અને પોલીસ તપાસ પર મંડાઈ છે. સત્તાવાર માહિતી બહાર આવે ત્યારબાદ જ સમગ્ર ઘટનાનું સાચું કારણ અને હકીકત સ્પષ્ટ થઈ શકશે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com