Geo Gujarat News

વાગરા: નગરના મુખ્ય તળાવમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર, માનવતાના મિસાલરૂપે મુસ્લિમ આગેવાને સંભાળી અંતિમવિધિ, માનવતાની મહેક પ્રસરી

વાગરા નગરમાં શુક્રવારે સવારના સમયે જુમ્મા મસ્જિદ નજીક આવેલા મુખ્ય તળાવમાંથી એક વ્યક્તિ ડૂબી ગયો હોવાની ચર્ચા ફેલાતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકો તળાવ કિનારે એકત્રિત થઈ ગયા હતા. શરૂઆતમાં ડૂબી ગયેલી વ્યક્તિ કોણ છે. તે અંગે કોઈ સ્પષ્ટતા ન હોવાથી લોકોમાં ઉત્સુકતા અને ચિંતા બંને જોવા મળી હતી. તળાવના કિનારે પડેલી ચપ્પલની જોડી મળતાં ડૂબી જવાની આશંકા વધુ મજબૂત બની હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. અને ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ તળાવમાં સઘન શોધખોળ હાથ ધરી હતી. લાંબી કામગીરી બાદ તળાવમાંથી એક મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મૃતકની ઓળખ વાગરાની નવીનગરી વિસ્તારમાં રહેતા નગિન ખોડા રાઠોડ તરીકે થઈ હતી. મૃતદેહ મળી આવતાં પરિવારજનો અને ઓળખીતાઓમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.પોલીસે મૃતદેહનો કબજો મેળવી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. અને પોસ્ટમોર્ટમ માટે વાગરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવાની પ્રક્રિયા હાથ ધરી હતી. પ્રાથમિક રીતે આ બનાવ ડૂબી જવાથી થયેલા મૃત્યુનો હોવાનું માનવામાં આવી રહ્યું છે, જોકે સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરાઈ રહી છે. ઘટનાની વચ્ચે માનવતા અને સામાજિક સૌહાર્દનું એક સુંદર દૃશ્ય પણ સામે આવ્યું હતું. સ્થાનિક મુસ્લિમ આગેવાન જુલ્ફીકાર દશુએ મૃતકના પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અંતિમવિધિની તમામ જવાબદારી પોતાના માથે લીધી હોવાનું જાણવા મળ્યું છે. તેમના આ સંવેદનશીલ અને માનવતાભર્યા નિર્ણયને સમાજના વિવિધ વર્ગોએ બિરદાવ્યો છે. લોકોનું માનવું છે કે, આવા સમયે ધર્મ અને જાતિના ભેદભાવને ભૂલીને માનવતાને સર્વોપરી રાખવી એ જ સાચી સમાજસેવા છે. આ બનાવે એક તરફ પરિવારને ગમગીન બનાવ્યો છે. તો બીજી તરફ જુલ્ફીકાર દશુના સેવાભાવી અભિગમે કોમી એકતા, ભાઈચારા અને માનવતાના મૂલ્યોને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો છે. સમગ્ર વાગરા પંથકમાં આ ઘટનાને લઈને શોક સાથે-સાથે માનવતાના આ કાર્યની પણ ચર્ચા ચાલી રહી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!