Geo Gujarat News

વાગરા: સલાદરા પાસે કેમિકલ ટેન્કર પલટી જતા સહેજ રહી ગયું! જોખમી રસ્તા સામે ફરી ઉઠ્યા ગંભીર સવાલો, મોટી હોનારત માટે જવાબદાર કોણ?

વાગરા તાલુકાના સલાદરા નજીક આવેલી APL કંપની પાસે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં સહેજ બચી ગયું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુન્દ્રાથી કેમિકલ ભરીને આવેલ ટેન્કર APL કંપની તરફ જવા માટે મેઈન રોડ પરથી રિવર્સ લઈ રહ્યું હતું, ત્યારે અત્યંત જોખમી ઢોળાવ અને અયોગ્ય રસ્તાના કારણે ટેન્કરનો આગળનો ભાગ હવામાં લટકી ગયો હતો અને આખું ટેન્કર એક તરફ નમી પડ્યું હતું. સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ, પરંતુ આ ઘટનાએ તંત્રની કામગીરી સામે અનેક ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો ટેન્કર પલટી મારી ગયું હોત અથવા તેમાં રહેલા કેમિકલનું લીકેજ કે બ્લાસ્ટ થયો હોત, તો આસપાસના વિસ્તાર માટે વિનાશકારી સ્થિતિ સર્જાઈ શકી હતી. ઔદ્યોગિક વિસ્તારમાં હજારો લોકોની સુરક્ષા સાથે સીધો સંબંધ ધરાવતા આવા માર્ગો અંગે જવાબદાર વિભાગો અત્યાર સુધી મૌન કેમ છે? તે સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ APL કંપની તરફ જતો આ માર્ગ વર્ષોથી જોખમી હાલતમાં છે. અને અહીં અનેક નાના-મોટા અકસ્માતો બની ચૂક્યા છે. તેમ છતાં માર્ગને સુરક્ષિત બનાવવા માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે વાહનચાલકો અને સ્થાનિક લોકો સતત જોખમ વચ્ચે અવરજવર કરવા મજબૂર બન્યા છે.હવે સૌથી મોટો સવાલ એ છે કે આ માર્ગનું નિર્માણ અને મંજૂરી કોના દ્વારા આપવામાં આવી? શું વન વિભાગ, GIDC તંત્ર કે R&B વિભાગ પૈકી કોઈએ પોતાની જવાબદારી નિભાવી નથી? જો માર્ગ કાયદેસર છે તો તેને સુરક્ષાના ધોરણો મુજબ વિકસાવવામાં કેમ આવ્યો નથી? અને જો તેમાં કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદારો સામે કાર્યવાહી ક્યારે થશે? આધારભૂત સૂત્રો મુજબ વન વિભાગ દ્વારા રસ્તા માટે મંજૂરી આપવામાં આવી હોવાની ચર્ચા છે, પરંતુ ત્યારબાદ પણ માર્ગની ડિઝાઇન અને સુરક્ષા અંગે ગંભીર બેદરકારી દાખવાઈ હોવાનું લોકો આક્ષેપ કરી રહ્યા છે. ખાસ કરીને ચોમાસું નજીક આવી રહ્યું છે. ત્યારે આ પ્રકારના જોખમી ઢોળાવ અને નબળી માર્ગ વ્યવસ્થા વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. સ્થાનિક લોકો અને જાગૃત નાગરિકોમાં માંગ ઉઠી રહી છે કે કોઈ મોટી જાનહાનિ કે પર્યાવરણને નુકસાન થાય તેની રાહ જોવાને બદલે તાત્કાલિક ધોરણે માર્ગની ટેક્નિકલ તપાસ કરાવી તેને સુરક્ષિત બનાવવામાં આવે. નહીં તો આજે ટળેલી દુર્ઘટના આવતીકાલે કોઈ મોટી હોનારતમાં ફેરવાઈ શકે તે વાતને નકારી શકાય તેમ નથી.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!