ભરૂચના રહેવાસી શ્રી સંભાજી કોહલે પરિવાર દ્વારા તેમની દીકરી આનવીના જન્મદિવસની અનોખી અને સેવાભાવી ઉજવણી કરવામાં આવી હતી. સામાન્ય રીતે જન્મદિવસની ઉજવણી કેક કાપી અને પાર્ટીઓ યોજીને કરવામાં આવતી હોય છે, પરંતુ કોહલે પરિવારે આ ખાસ દિવસને સમાજસેવાના કાર્ય સાથે જોડીને યાદગાર બનાવ્યો હતો.

દીકરી આનવીના જન્મદિવસ નિમિત્તે ભરૂચની સેવાવસ્તી સંતોષી ઝૂંપડપટ્ટી ખાતે રહેતા બાળકો માટે વિશેષ જમણવારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં બાળકોને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવ્યું હતું. બાળકોના ચહેરા પર જોવા મળેલી ખુશીએ સમગ્ર કાર્યક્રમને વધુ અર્થપૂર્ણ બનાવી દીધો હતો.

કાર્યક્રમ દરમિયાન જન્મદિવસની ઉજવણી દીકરી આનવી, તેમના પિતાશ્રી સંભાજી કોહલે, માતાશ્રી વૃષાલી કોહલે તેમજ પરિવારના વડીલો દાદા-દાદીની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી. પરિવારના સભ્યોએ બાળકો સાથે સમય પસાર કરી તેમને શુભેચ્છાઓ અને પ્રેમ આપ્યો હતો.

કોહલે પરિવારનું માનવું છે કે જન્મદિવસ જેવા શુભ પ્રસંગોની ઉજવણી જો સમાજના વંચિત અને જરૂરિયાતમંદ લોકો સાથે કરવામાં આવે તો તે પ્રસંગનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ પ્રકારના સેવાકીય કાર્યો દ્વારા સમાજમાં માનવતા, સહાનુભૂતિ અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન મળે છે.

આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ પણ કોહલે પરિવારની આ પહેલને બિરદાવી હતી અને અન્ય લોકોને પણ આવા શુભ પ્રસંગોએ જરૂરિયાતમંદ લોકોની મદદ કરવા માટે પ્રેરણા લેવાની અપીલ કરી હતી.

દીકરી આનવીના જન્મદિવસની આ અનોખી ઉજવણી માત્ર પરિવાર માટે જ નહીં, પરંતુ સેવાવસ્તીના બાળકો માટે પણ યાદગાર બની રહી હતી. માનવતાની સુગંધ ફેલાવતો આ કાર્યક્રમ સમાજ માટે એક સુંદર ઉદાહરણ બની રહ્યો છે.
Author: Saifali Bhatti
સમાચાર તેમજ જાહેરાત માટે સંપર્ક કરો +919510457096