Geo Gujarat News

વાગરા: કતારથી LNG ભરેલું જહાજ ભરૂચના દહેજ બંદરે પહોંચ્યું, 62 હજાર મેટ્રિક ટન કાર્ગો સાથે ઊર્જા સુરક્ષાને મળ્યો બળ

ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત LNG ટર્મિનલ પર કતારથી લિક્વિફાઇડ નેચરલ ગેસ લઈને આવેલું ભારતીય LNG કેરિયર જહાજ દિશા સુરક્ષિત રીતે પહોંચી ગયું છે. મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકા વચ્ચે વધેલા તણાવ તથા હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં સર્જાયેલી અનિશ્ચિત પરિસ્થિતિ વચ્ચે આ જહાજનું સલામત આગમન દેશની ઊર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ, જહાજ દિશા એ 15 જૂનના રોજ કતારના રાસ લાફાન LNG ટર્મિનલ પરથી સફર શરૂ કરી હતી અને 19 જૂને દહેજ LNG ટર્મિનલ પર સુરક્ષિત રીતે પહોંચી ગયું હતું. જહાજમાં અંદાજે 62,370 મેટ્રિક ટન LNGનો જથ્થો ભરેલો હોવાનું જાણવા મળે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં વધેલા તણાવને કારણે અનેક આંતરરાષ્ટ્રીય જહાજોની અવરજવર પર અસર જોવા મળી રહી હતી. આવી સ્થિતિમાં દિશા હોર્મુઝ સ્ટ્રેટમાંથી સફળતાપૂર્વક પસાર થઈ દહેજ પહોંચનાર પ્રથમ ભારતીય LNG કેરિયર તરીકે નોંધાયું છે. આ જહાજનું સંચાલન શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવે છે અને તે પેટ્રોનેટ LNG લિમિટેડ માટે ચાર્ટર કરાયું હોવાનું જણાવાયું છે. દહેજ LNG ટર્મિનલ દેશનું સૌથી મોટું LNG આયાત કેન્દ્ર હોવાથી અહીં પહોંચેલો LNG જથ્થો દેશના વિવિધ રાજ્યોમાં ગેસ પુરવઠા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. ટર્મિનલ પર LNGનું સંગ્રહ કર્યા બાદ તેને પાઇપલાઇન મારફતે ઉદ્યોગો, વીજ ઉત્પાદન એકમો, ખાતર ઉદ્યોગો તથા અન્ય ક્ષેત્રોમાં વિતરણ કરવામાં આવશે. વિશ્વભરના ઊર્જા વેપાર પર હોર્મુઝ સ્ટ્રેટમાં સર્જાતી અનિશ્ચિતતાની અસર વચ્ચે દિશાનું સલામત આગમન ભારત માટે રાહતના સમાચાર સમાન છે. નિષ્ણાતોના મતે, આ કાર્ગો દેશના ગેસ પુરવઠાને સ્થિર રાખવામાં અને ઊર્જા ક્ષેત્રમાં વિશ્વાસ જાળવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!