આમોદમાં આગામી તા. 26 જૂનના રોજ મોહરમ પર્વની ઉજવણી શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને સાંપ્રદાયિક સૌહાર્દના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે આમોદ તાલુકા પંચાયતના સભાખંડ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં તંત્ર, પોલીસ, વીજ કંપની અને મુસ્લિમ સમાજના આગેવાનોએ ઉજવણીને લગતા તમામ પાસાંઓ પર ચર્ચા-વિચારણા કરી હતી.
બેઠકમાં આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, પાલિકા સદસ્ય શકીલ કાપડિયા, સામાજિક આગેવાન નવીન પરમાર, તાજીયા કમિટીના પ્રમુખ સફવાન પટેલ, કમિટીના સભ્યો આદિલ મલેક, જુનેદ મલેક, અલ્તાફ બાદશાહ, આદિલ ખત્રી, દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ તેમજ અન્ય મુસ્લિમ સમાજના આગેવાનો અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન મોહરમના તાજિયા અને જુલૂસના નિર્ધારિત રૂટ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. ઉપસ્થિત આગેવાનોએ જુલૂસના માર્ગ પર નડતરરૂપ બની રહેલા વીજ વાયરાઓને ઊંચા કરવા, માર્ગોની યોગ્ય સફાઈ, સ્ટ્રીટ લાઈટોની વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણ અંગે જરૂરી સૂચનો રજૂ કર્યા. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓએ તમામ નડતરરૂપ વીજ લાઈનો અને વાયરાઓ અંગે તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવાની ખાતરી આપી હતી.આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટીયાએ જણાવ્યું હતું કે, “મોહરમ પર્વ દરમિયાન કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.” તેમણે તમામ સમાજના આગેવાનોને પરસ્પર સહકાર, ભાઈચારો અને શાંતિ જાળવીને પર્વની ઉજવણી કરવા અપીલ પણ કરી હતી.બેઠકના અંતે ઉપસ્થિત તમામ સભ્યો અને સમાજના આગેવાનોએ મોહરમની ઉજવણી શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની સામૂહિક ખાતરી વ્યક્ત કરી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023