Geo Gujarat News

વાગરા: વિલાયતની ભૂખી ખાડીમાં પ્રદૂષણનો કહેર, કેમિકલયુક્ત પાણીથી હજારો માછલાઓના મોત, જવાબદાર ઉદ્યોગો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી!

વાગરા તાલુકાના વિલાયત ગામ નજીક આવેલી ભૂખી ખાડીમાં કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી છોડવામાં આવતા હજારો માછલાઓના મોત નીપજ્યાની ગંભીર ઘટના સામે આવી છે. ખાડીના વિવિધ વિસ્તારોમાં મોટી સંખ્યામાં મૃત માછલાઓ તરતા જોવા મળતાં સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. માછલીઓના ગળા અને શરીરના ભાગોમાં અસામાન્ય ફુગાવા જોવા મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ઝેરી અને પ્રદૂષિત પાણીના કારણે મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, નજીકના ઔદ્યોગિક એકમો દ્વારા કેમિકલયુક્ત પાણી સીધું જ ખાડીમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે સમગ્ર જળચર પર્યાવરણને ભારે નુકસાન પહોંચ્યું છે. ખાસ કરીને ભૂખી ખાડીને અડીને આવેલા કંપની તરફથી પ્રદૂષિત પાણી છોડવામાં આવ્યું હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે. જોકે આ બાબતે સત્તાવાર તપાસ બાદ જ હકીકત બહાર આવશે.ચિંતાજનક બાબત એ છે કે મૃત માછલાઓને ઘણા લોકો ખાવા અને બજારમાં વેચવા માટે એકત્ર કરી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે. જો આ માછલાઓ ખરેખર કેમિકલ પ્રદૂષણના કારણે મૃત્યુ પામ્યા હોય તો તેનું સેવન માનવ આરોગ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. ઉપરાંત ખાડીનું પાણી પશુઓ માટે પણ ખતરનાક બની શકે છે, જેના કારણે પશુપાલકોમાં પણ ચિંતા વ્યાપી છે. પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે કેટલાક કેમિકલ માફિયાઓ અને બેદરકાર ઉદ્યોગો નફાખોરીના લાલચમાં પર્યાવરણને નિયમોની ખુલ્લેઆમ અવગણના કરી રહ્યા છે. પરિણામે જળચર જીવસૃષ્ટિનો વિનાશ થઈ રહ્યો છે અને આસપાસના ગામોના લોકોના આરોગ્ય પર ગંભીર ખતરો ઊભો થયો છે. સ્થાનિકોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, જિલ્લા પ્રશાસન અને સંબંધિત તંત્રને તાત્કાલિક પાણીના નમૂનાઓ લઈ વૈજ્ઞાનિક તપાસ કરાવવા, જવાબદાર સામે કડક કાનૂની કાર્યવાહી કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે અસરકારક પગલાં ભરવાની માંગ ઉઠાવી છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો ભૂખી ખાડીનું સમગ્ર પર્યાવરણ ગંભીર સંકટમાં મુકાઈ શકે છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!