આમોદ તાલુકાના તણછા ગામ નજીક નેશનલ હાઈવે-૬૪ પર સોલાર પ્લાન્ટ પાસે સર્જાયેલા ગંભીર અકસ્માતે હાઈવેની સુરક્ષા વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. રસ્તાની વચ્ચે કોઈપણ પ્રકારની હેઝર્ડ લાઈટ, રિફ્લેક્ટર કે ચેતવણીના નિશાન વગર ઉભેલા ટ્રકમાં એકટીવા સવાર તણછા ગામના ૪૬ વર્ષીય સંજયભાઈ ભીખાભાઈ વસાવા ધડાકાભેર ઘૂસી જતાં તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યા હતા, પરંતુ તેમની હાલત ગંભીર હોવાથી પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
હાઈવે પર બેફામ રીતે ટ્રક પાર્ક કરતા ચાલકોની હિંમત સામે હવે અનેક સવાલો ઉભા થયા છે. સ્થાનિકો અને પીડિત પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાઈવે પર ટ્રક ચાલકો મનફાવે તેમ વાહનો ઉભા કરી દે છે, છતાં તેમની સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આ બેદરકારી દરરોજ નિર્દોષ લોકોનો જીવ જોખમમાં મૂકી રહી છે, છતાં તંત્ર કુંભકર્ણની નિદ્રામાં હોય તેમ જણાય છે.
માત્ર ગુનો નોંધીને બેસી રહેવાને બદલે આવા બેદરકાર વાહનચાલકો સામે કડક દંડ, લાયસન્સ સસ્પેન્ડ અને આકરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. આ અકસ્માત બાદ આમોદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પરંતુ સવાલ એ છે કે હજુ કેટલા નિર્દોષ લોકોના જીવ ગયા પછી તંત્ર અને જવાબદાર અધિકારીઓની આંખ ખુલશે?
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023