આમોદ: રાજ્ય સરકારના ‘કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ-2025-26’ અંતર્ગત આમોદની મિશ્રશાળા નં. 3 ખાતે શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રવેશ મેળવનાર નાનાં ભૂલકાઓનું તિલક, ફૂલ અને શૈક્ષણિક કિટ આપીને ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેના કારણે સમગ્ર શાળા પરિસર આનંદ અને ઉત્સવના માહોલથી ગુંજી ઉઠ્યું હતું.
કાર્યક્રમમાં આમોદ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ ઉમેશ પંડ્યા, પૂર્વ કારોબારી અધ્યક્ષ ગીતાબેન પટેલ તથા વન વિભાગના કપરેટીયા સાહેબ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ નવા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવતાં શિક્ષણના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું અને બાળકોને ઉજ્જવળ ભવિષ્ય માટે મન લગાવી અભ્યાસ કરવાની પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટ અને અભ્યાસ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ વાલીઓને પોતાના બાળકોના શિક્ષણ પ્રત્યે સતત જાગૃત અને જવાબદાર રહેવા અપીલ કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન બાળકોના ચહેરા પર જોવા મળેલો ઉત્સાહ અને ખુશી સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.
શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં શિક્ષણના મહત્ત્વ અંગે વિવિધ સંદેશો આપવામાં આવ્યા હતા. મિશ્રશાળા નં. 3 ખાતે યોજાયેલો શાળા પ્રવેશોત્સવ શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારતો અને નાનાં ભૂલકાઓના ભવિષ્યને નવી દિશા આપતો યાદગાર પ્રસંગ બન્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023