આમોદ શહેરમાં રસ્તાઓ પરના ખાડા પૂરવાની કામગીરી હાલ ભારે વિવાદના વમળોમાં ફસાઈ છે. વિકાસના બણગાં વચ્ચે લાખો રૂપિયાના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો ઉઠતાં સ્થાનિક રાજકારણ ગરમાયું છે. નગરજનોનો સીધો આક્ષેપ છે કે, જ્યાં ગુણવત્તાયુક્ત મટિરિયલ અને ચોક્કસ તકનિકી માપદંડો હેઠળ દેખરેખ રાખીને કામ થવું જોઈતું હતું, ત્યાં માત્ર દેખાડા પૂરતી કામગીરી કરીને સરકારી નાણાંનો ખુલ્લેઆમ બગાડ કરવામાં આવી રહ્યો છે. જનતામાં ફેલાયેલા ભારે રોષ વચ્ચે એવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે, જો કોઈ પણ પ્રકારની ઝીણવટભરી તકનિકી તપાસ કર્યા વિના કોન્ટ્રાક્ટરના બિલો પાસ કરવામાં આવશે, તો તેને ભ્રષ્ટાચારને તંત્ર દ્વારા અપાયેલું ખુલ્લું રક્ષણ અને સરકારી મહોર માનવામાં આવશે. આ સમગ્ર વિવાદમાં સૌથી ચોંકાવનારી અને ગંભીર બાબત એ સામે આવી છે કે, જ્યાં આ હલકી ગુણવત્તાના કામના આક્ષેપો થઈ રહ્યા છે, તે વિસ્તાર આમોદ શહેર કોંગ્રેસ પ્રમુખનો પોતાનો જ વોર્ડ છે! અને તેમના નિવાસસ્થાનની આસપાસનો જ ભાગ છે. સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો નગરપાલિકાના પ્રમુખના જ વોર્ડમાં આવી લોલમલોલ અને ગુણવત્તાવિહીન કામગીરી થતી હોય, તો શહેરના અન્ય વિસ્તારોની સ્થિતિ કેવી હશે?
અત્રે નોંધનીય છે, કે અગાઉ જનતાએ ભાજપને સત્તામાંથી હટાવીને કોંગ્રેસને વહીવટ સોંપ્યો હતો, જેથી પારદર્શિતા અને સ્વચ્છ વહીવટ મળે. પરંતુ જો નવા શાસનમાં પણ ભ્રષ્ટાચારની આ જ જૂની માનસિકતા અને પદ્ધતિઓ ચાલુ રહેશે, તો તે જનતાના વિશ્વાસ સાથે સીધો વિશ્વાસઘાત ગણાશે. કામગીરી દરમિયાન નગરપાલિકાના મુખ્ય અધિકારી, એન્જિનિયર કે અન્ય જવાબદાર ટેકનિકલ સ્ટાફની ગેરહાજરી પણ અનેક શંકાઓ જન્માવે છે. સ્થળ પર માત્ર ચૂંટાયેલા સભ્યો જ નજરે પડતા હોવાથી લોકો પૂછી રહ્યા છે કે શું કોન્ટ્રાક્ટરોને મનફાવે તેમ કામ કરવાની ખુલ્લી છૂટ આપી દેવાઈ છે? હવે નગરજનોની સ્પષ્ટ માંગ છે કે, કોઈ સ્વતંત્ર એજન્સી દ્વારા આની ઉચ્ચસ્તરીય તપાસ થાય, લેબોરેટરીમાં મટિરિયલનું ટેસ્ટિંગ થાય અને જો ગેરરીતિ સાબિત થાય તો જવાબદારો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે.
આક્ષેપો અને વિવાદો વચ્ચે ઉપપ્રમુખ સાજીદ રાણાનો મોટો ખુલાસો! : આ ગંભીર આક્ષેપો અને વિપક્ષના પ્રહારો વચ્ચે આમોદ નગરપાલિકાના ઉપપ્રમુખ સાજીદ રાણાએ સામે આવીને સ્થિતિ સ્પષ્ટ કરી છે. તેમણે જણાવ્યું કે, વેપારી એસોસિએશન, સ્થાનિક વેપારીઓ અને પત્રકારોની રજૂઆતોને ધ્યાને રાખીને જ આ ખાડા પૂરવાની કામગીરી શરૂ કરાઈ છે, જે ગત બોર્ડના સમયમાં થયેલી ટેન્ડર પ્રક્રિયાનો જ એક ભાગ છે. વોર્ડ નંબર બે માં નબળા કામ અંગે ખુલાસો આપતા તેમણે ઉમેર્યું કે, ચાલુ ટ્રાફિક અને ૩-૪ દિવસ પહેલાં પડેલા વરસાદને કારણે કદાચ રસ્તો ડેમેજ થયો હોઈ શકે છે. જોકે તેમણે નગરજનોને ખાતરી આપતા સ્પષ્ટ કર્યું છે કે, આ કામ પેટે એજન્સીને હજુ સુધી એક પણ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું નથી. તંત્ર દ્વારા સ્થળ તપાસ કરવામાં આવશે અને જો કોઈ એજન્સીની ક્વોલિટીમાં ખામી જણાશે, તો તે જગ્યાનું પેમેન્ટ રોકી દેવાશે. વધુમાં તેઓએ વિપક્ષના આક્ષેપો પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે વિરોધ કરવો એ તેમનો ધર્મ છે, પરંતુ આમોદ નગરપાલિકા ગુણવત્તા મામલે કોઈ બાંધછોડ નહીં કરે અને કસૂરવાર એજન્સી સામે ૧૦૦% શિક્ષાત્મક પગલાં ભરીને કડક દાખલો બેસાડશે.
ઉલ્લેખનીય છે કે, આ જટિલ સમસ્યાના નિકાલ અને જનતાના આક્રોશને શાંત કરવા માટે વહીવટી તંત્ર દ્વારા ત્વરિત અને પારદર્શક પગલાં લેવા અનિવાર્ય છે. સૌથી પહેલાં તો, સમગ્ર કામગીરીના ચૂકવણા પર તાત્કાલિક રોક લગાવીને એક સ્વતંત્ર ટેકનિકલ કમિટી દ્વારા રસ્તાઓની ગુણવત્તા અને સામગ્રીની લેબોરેટરી ચકાસણી થવી જોઈએ. આ સાથે જ, કામ ચાલુ હોય ત્યારે નગરપાલિકાના જવાબદાર એન્જિનિયર અને ચીફ ઓફિસરની પ્રત્યક્ષ હાજરી ફરજિયાત બનાવવી જોઈએ, જેથી કોન્ટ્રાક્ટરો પર વહીવટી ધાક જળવાઈ રહે. લોકશાહીમાં જનતાનો વિશ્વાસ સર્વોપરી છે, તેથી જો તપાસમાં જરાય પણ ગેરરીતિ કે લોલમલોલ સાબિત થાય, તો પક્ષપાત વિના કસૂરવાર એજન્સીને બ્લેકલિસ્ટ કરી તેની સામે કડક કાનૂની કાર્યવાહી થવી જોઈએ અને જે-તે નબળા રસ્તાઓ કોન્ટ્રાક્ટરના ખર્ચે જ ફરીથી મજબૂત રીતે તૈયાર કરાવવા જોઈએ, જેથી ભવિષ્યમાં સરકારી નાણાંનો આવો બગાડ અટકે અને નગરજનોને સાચો વિકાસ મળી શકે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023