ગ્રાઉન્ડ પરથી અજાણ્યા યુવકની લાશ મળતા પોલીસ હરકતમાં: વાગરા તાલુકાના ખોજબલ ગામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ વિસ્તારમાંથી એક શંકાસ્પદ હાલતમાં બિનવારસી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોમાં ભય અને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ હતી. ઘટનાની માહિતી મળતા જ વાગરા પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પોલીસે સ્થળનું પંચનામું કરી લાશનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ મૃતકની ઓળખ મેળવવા માટે વિવિધ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મૃતક પરપ્રાંતીય મજૂર હોવાનું સામે આવ્યું છે. જોકે તેની ઓળખ હજુ સુધી સત્તાવાર રીતે થઈ શકી નથી. પોલીસે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ શરૂ કરી છે. તેમજ મૃતક અંગે કોઈ ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે કે નહીં તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતકનું મોત કયા સંજોગોમાં થયું, તે કુદરતી છે, અકસ્માતજન્ય છે કે અન્ય કોઈ કારણસર થયું છે, તે અંગે હજુ કોઈ સત્તાવાર સ્પષ્ટતા થઈ નથી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ મોતનું સાચું કારણ બહાર આવશે. હાલ સમગ્ર મામલે વાગરા પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ઊંડાણપૂર્વક તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા મૃતકની ઓળખ અને ઘટનાના વાસ્તવિક કારણો શોધવા માટે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com