આમોદ શહેરમાં વર્ષોથી ખુલ્લી અને જોખમી હાલતમાં પડેલી ગટર સ્થાનિક રહેવાસીઓ માટે સતત અકસ્માતનું કારણ બની રહી હતી. સ્થાનિકોની અનેક રજૂઆતો અને મીડિયામાં આ મુદ્દો ઉઠ્યા બાદ, આમોદ નગરપાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈએ નાગરિકો અને પત્રકારોને આ સમસ્યાના વહેલા ઉકેલની ખાતરી આપી હતી. હવે આ વચનને સાકાર કરતા, ગટરનું સંતોષકારક સમારકામ કરીને તેને સુરક્ષિત આવરણથી ઢાંકવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેનાથી વર્ષો જૂની ગંભીર સમસ્યાનો અંત આવ્યો છે.
આ કામગીરી પૂર્ણ થતાં સ્થાનિક નાગરિકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. રહીશોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી જીવલેણ બનેલી ગટર હવે સુરક્ષિત બનતાં રાહદારીઓ, બાળકો અને વાહનચાલકો માટે અકસ્માતનો ભય નોંધપાત્ર રીતે ઘટ્યો છે. આ કામગીરી બદલ સ્થાનિકોએ આમોદ નગરપાલિકા અને પ્રમુખ મહેન્દ્ર દેસાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
નાગરિકોના પ્રશ્નોને પ્રાથમિકતા આપીને આપેલું વચન સમયસર પૂર્ણ કરવાની આ પહેલને શહેરમાં પ્રશંસનીય ગણવામાં આવી રહી છે. સ્થાનિકોની એવી આશા છે કે જો અન્ય જાહેર પ્રશ્નોના ઉકેલમાં પણ આવી જ સંવેદનશીલતા અને ત્વરિત કામગીરી જોવા મળે, તો શહેરના વિકાસને વધુ ગતિ મળશે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023