આમોદ શહેરના વાવડી ફળિયા ખાતે આવેલા જુના વોટર વર્ક્સ તળાવના આશરે રૂ. ૭ કરોડના બ્યુટીફિકેશન પ્રોજેક્ટને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. વર્ષોથી ચાલી રહેલા આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર, નબળી ગુણવત્તા, બેદરકારી અને વહીવટી નિષ્ક્રિયતાના આક્ષેપો વચ્ચે સુરત સુડા ભવનના ડેપ્યુટી કલેક્ટર ગામિત સાહેબ, સ્થાનિક નગરપાલિકાના હોદ્દેદારો અને સંબંધિત અધિકારીઓની ટીમે સ્થળ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન અધિકારીઓએ પણ સ્વીકાર્યું કે કામગીરીમાં અનેક જગ્યાએ ખામીઓ અને ગુણવત્તાનો અભાવ જોવા મળ્યો છે. ત્યારબાદ સંબંધિત એજન્સી અંબર એન્ટરપ્રાઇઝને તાત્કાલિક ક્ષતિઓ દૂર કરવાની સૂચના આપવામાં આવી હોવાનું જણાવાયું છે. જોકે સ્થાનિકોમાં સવાલ એ છે કે અગાઉ પણ અનેક વખત તપાસો અને સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં આજે પણ એ જ પ્રકારની ખામીઓ કેમ જોવા મળે છે? કરોડો રૂપિયાના જાહેર નાણાં ખર્ચાયા હોવા છતાં જો કામગીરી સંતોષકારક ન હોય તો તેની સીધી જવાબદારી કોની ગણવી? પ્રોજેક્ટનો સમયગાળો પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ગુણવત્તા અંગેના પ્રશ્નો યથાવત રહેતા સમગ્ર કામગીરી પર શંકાની સોય વધુ ગાઢ બની રહી છે.
આ સમગ્ર મામલે વિપક્ષ દ્વારા શરૂઆતથી જ મોટા પાયે આર્થિક ગેરરીતિ, ટેકનિકલ બેદરકારી અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રોગ્રેસ રિપોર્ટના આધારે ચૂકવણાં કરવામાં આવ્યા હતા, પરંતુ જો હાલ પણ કામગીરીમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી રહી છે તો તે પ્રોગ્રેસ રિપોર્ટ કેટલા વિશ્વસનીય હતા તેવો સવાલ સ્વાભાવિક રીતે ઉભો થાય છે. સ્થાનિક નાગરિકોનું માનવું છે કે વારંવાર માત્ર “સૂચના આપી દેવામાં આવી છે” જેવા જવાબો આપીને સમગ્ર મામલો દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોન્ટ્રાક્ટર અગાઉ આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયો હોય તો તેની સામે બ્લેકલિસ્ટ જેવી કડક કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી? સાથે જ કામની દેખરેખ રાખનારા અધિકારીઓની ભૂમિકા પણ તપાસના દાયરામાં આવવી જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. માત્ર ફોટો સેશન સમાન તપાસો અને કાગળ પરની કાર્યવાહીથી હવે લોકો સંતોષ માનવા તૈયાર નથી.
આમોદની જનતા હવે માત્ર વચનો નહીં પરંતુ પારદર્શક અને જવાબદાર વહીવટની અપેક્ષા રાખી રહી છે. સાત કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા, થયેલા ખર્ચ, ચૂકવાયેલા બિલ અને સમગ્ર કામગીરીનું સ્વતંત્ર થર્ડ પાર્ટી ઓડિટ કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની રહી છે. જો ખરેખર તપાસમાં ક્ષતિઓ અને ગેરરીતિઓ સામે આવી હોય તો સંબંધિત એજન્સી સામે દંડાત્મક કાર્યવાહી, જરૂરી હોય તો બ્લેકલિસ્ટિંગ અને જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ હાથ ધરવી સમયની માંગ બની ગઈ છે.
જાહેર નાણાંનો એક-એક રૂપિયા પ્રજાના પરસેવાની કમાણી છે અને તેનો યોગ્ય ઉપયોગ થાય તેની ખાતરી કરવી તંત્રની પ્રથમ જવાબદારી છે. હવે જો આગામી દિવસોમાં પણ માત્ર આશ્વાસનો જ આપવામાં આવશે અને વાસ્તવિક સુધારાત્મક પગલાં લેવામાં નહીં આવે તો આ તળાવ બ્યુટીફિકેશન પ્રોજેક્ટ વિકાસનું પ્રતીક નહીં પરંતુ વહીવટી નિષ્ફળતા અને જાહેર નાણાંના દુરુપયોગનું જીવંત સ્મારક બની રહેશે. જનતા હવે પરિણામ ઇચ્છે છે—અને સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ વખતે ખરેખર જવાબદારો સામે કડક કાર્યવાહી થશે કે પછી ફરી એકવાર સમગ્ર મામલો ફાઇલોમાં જ દફનાઈ જશે?
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023