સાયખા GIDCમાં ઝેરી ધુમાડાનો કાળો કારોબાર? રવિવારે બેફામ પ્રદૂષણ, તંત્રની ચૂપકીદી પર ગંભીર સવાલો! વાગરા તાલુકાની સાયખા GIDC સ્થિત IDCM Industries (OPC) Pvt. Ltd. દ્વારા રવિવારના દિવસે ચીમની મારફતે ભારે પ્રમાણમાં કાળા ડિબાંગ ધુમાડા છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. કંપનીની ચીમનીમાંથી સતત નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા એટલી હદે ફેલાયા હતા કે આસપાસનો વિસ્તાર ધુમાડાથી ઢંકાઈ ગયો હતો. આ દૃશ્યોએ પર્યાવરણ અને જાહેર આરોગ્ય અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે કેટલાક બેફામ ઉદ્યોગો રવિવાર અથવા જાહેર રજાના દિવસોમાં દેખરેખ ઓછી હોવાનો લાભ લઈને પર્યાવરણના નિયમોને નેવે મૂકી મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવતા હોય છે. જો આ પ્રકારની પ્રવૃત્તિઓ પર સમયસર અંકુશ નહીં આવે તો આસપાસના ગામોના રહેવાસીઓના આરોગ્ય અને પર્યાવરણ પર તેની ગંભીર અસર પડી શકે છે. આ ઘટનાને લઈને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. જો કંપની દ્વારા પ્રદૂષણ નિયંત્રણના નિયમોનો ભંગ કરવામાં આવ્યો હોય તો માત્ર નોટિસ આપીને સંતોષ માનવાને બદલે કડક તપાસ હાથ ધરી જવાબદારો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે. સાયખા GIDCમાં પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામે હવે કડક અને નિષ્પક્ષ કાર્યવાહી થાય તે સમયની માંગ બની ગઈ છે.
સાયખાની KASTURI AROMATICSની ચીમનીમાંથી કાળા ધુમાડાના ગોટેગોટા, શું પ્રદૂષણ ફેલાવવાનો ખુલ્લો છૂટો દોર? સાયખા GIDCમાં વાયુ પ્રદૂષણના બનાવો અટકવાનું નામ લેતા નથી. હવે KASTURI AROMATICS કંપનીની ચીમનીમાંથી પણ કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા નીકળ્યાનો મામલો સામે આવ્યો છે. ચીમનીમાંથી નીકળતા ગાઢ કાળા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં ચિંતા ફેલાવી દીધી છે. અને પર્યાવરણના નિયમોના પાલન સામે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિકોમાં એવી ચર્ચા છે કે, કેટલાક ઉદ્યોગો રવિવાર અને જાહેર રજાના દિવસોમાં દેખરેખ ઓછી હોવાનો લાભ લઈને મનફાવે તેમ પ્રદૂષણ ફેલાવતા હોય છે. જો આ દાવાઓમાં તથ્ય હોય, તો તે માત્ર પર્યાવરણ માટે જ નહીં પરંતુ આસપાસના ગામોના લોકોના આરોગ્ય માટે પણ ગંભીર ચિંતાનો વિષય છે. વારંવાર આવી ઘટનાઓ સામે આવતાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું કેટલીક કંપનીઓને પ્રદૂષણ ફેલાવવાનો છૂટો દોર મળી ગયો છે? જો ઉદ્યોગો નિયમોનો ભંગ કરતા હોય, તો જવાબદાર તંત્રે તાત્કાલિક સ્થળ તપાસ કરી હકીકતો જાહેર કરવી અને દોષિત જણાય તો કડક કાનૂની કાર્યવાહી કરવી જરૂરી બની જાય છે. પર્યાવરણની સુરક્ષા માત્ર કાગળ પરના નિયમોથી નહીં, પરંતુ અસરકારક અમલથી શક્ય બને છે. તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સંબંધિત તંત્રે આ ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી, હકીકતો સામે લાવી અને નિયમભંગ સાબિત થાય તો કડક કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની માંગ ઉઠી રહી છે.
આ ધુમાડો કેટલો જોખમી? સત્ય બહાર લાવવા GPCBની વૈજ્ઞાનિક તપાસ જરૂરી! કંપનીની ચીમનીમાંથી નીકળતા કાળા ધુમાડામાં કયા પ્રકારના પ્રદૂષકો હતા. અને તે માનવ આરોગ્ય, જીવસૃષ્ટિ તથા પર્યાવરણ માટે કેટલા હાનિકારક હોઈ શકે, તે અંગે કોઈ નિષ્કર્ષ તપાસ વિના કાઢી શકાય નહીં. જોકે, આ પ્રકારનો અસામાન્ય ગાઢ ધુમાડો સ્થાનિકોમાં સ્વાભાવિક ચિંતા ઉભી કરે છે. તેથી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર વૈજ્ઞાનિક તપાસ, ચીમનીના ઉત્સર્જનના નમૂનાઓનું પરીક્ષણ અને હવાના ગુણવત્તા અંગેનો અહેવાલ જાહેર કરવામાં આવે તો જ હકીકત સામે આવશે અને લોકોમાં રહેલી શંકાઓનું યોગ્ય નિવારણ થઈ શકશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com