Geo Gujarat News

વાગરા: દહેજથી નીકળેલો કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટ અંકલેશ્વરમાં? ગંભીર આક્ષેપોથી GPCB એક્શનમાં, વેસ્ટ માફિયાના નેટવર્ક પર સવાલ!

વાગરા તાલુકાના દહેજ SEZ-2 વિસ્તારમાં આવેલી Roha Dyechem Pvt. Ltd. માંથી નીકળેલા કન્ટામિનેટેડ પ્લાસ્ટિક વેસ્ટને નિયમોનો ભંગ કરીને અંકલેશ્વરના નોબલ માર્કેટ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાં ઠાલવવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા બાદ સમગ્ર મામલો ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ફરિયાદ મળતા જ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સ્થળ પર તપાસ શરૂ કરવામાં આવી છે. તપાસના પરિણામો હવે સમગ્ર ઘટનાક્રમની હકીકત સામે લાવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે. આક્ષેપો મુજબ જોખમી કચરાને અધિકૃત ટ્રીટમેન્ટ અને ડિસ્પોઝલ સુવિધા સુધી પહોંચાડવાના બદલે ભંગારના ગોડાઉનોમાં ઉતારી દેવામાં આવે છે, જ્યાં તેની બિનઅધિકૃત રીતે સફાઈ, ધોવાણ અને અલગ પાડવાની કામગીરી થતી હોવાની ચર્ચા તેજ બની છે. આ પ્રક્રિયામાં નીકળતું પ્રદૂષિત પાણી આસપાસના વિસ્તારોમાં છોડવામાં આવતું હોવાના આક્ષેપો સાથે કેટલાક સ્થળોએ કન્ટામિનેટેડ પ્લાસ્ટિક સળગાવાતું હોવાની ફરિયાદો પણ ઉઠી છે, જેના કારણે હવા, પાણી અને પર્યાવરણને ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.ફરિયાદમાં વધુમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વેસ્ટના પરિવહન માટે વપરાયેલા દસ્તાવેજોમાં ખોટી વિગતો દર્શાવી નિયમોની અવગણના કરવામાં આવી હોઈ શકે છે. જો તપાસમાં આ દાવાઓ સાચા સાબિત થાય તો માત્ર એક કંપની નહીં પરંતુ સમગ્ર વેસ્ટ હેન્ડલિંગ સિસ્ટમ અને દેખરેખની કામગીરી સામે પણ ગંભીર પ્રશ્નો ઊભા થઈ શકે છે. પ્રકૃતિ સુરક્ષા મંડળના હરેશભાઈએ જણાવ્યું હતું કે અગાઉ આમલાખાડી પ્રદૂષણ કેસ દરમિયાન પણ આ જ વિસ્તારના કેટલાક ગોડાઉનો સામે કાર્યવાહી થઈ હતી. તેમ છતાં ફરી સમાન પ્રકારના આક્ષેપો સામે આવતા અગાઉની કાર્યવાહી કેટલી અસરકારક રહી અને જવાબદારો સામે કડક પગલાં કેમ ન લેવાયા તે અંગે પણ ચર્ચા તેજ બની છે.તો બીજી તરફ કંપનીના મેનેજમેન્ટ સાથેની વાતચીતમાં પોતાના બચાવમાં જણાવ્યું છે કે કંપની દ્વારા તમામ વેસ્ટનું પરિવહન અને નિકાલ કાયદેસર દસ્તાવેજો સાથે કરવામાં આવે છે. જોકે, તેમણે એ સંભાવના પણ વ્યક્ત કરી કે જો કોઈ ગેરરીતિ થઈ હોય તો તે કોન્ટ્રાક્ટર સ્તરે થઈ હોઈ શકે છે. હવે સૌની નજર GPCBની તપાસ પર છે. તપાસમાં હકીકત બહાર આવશે કે નહીં, નિયમભંગ કરનારાઓ સામે કડક કાર્યવાહી થશે કે ફરી એકવાર પ્રદૂષણના ગંભીર આક્ષેપો ફાઈલોમાં જ દબાઈ જશે? આ સવાલોના જવાબ હવે તપાસના અંતિમ અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!