વાગરા તાલુકાની સાયખા GIDC વિસ્તારમાં આવેલી હેમાની કંપની સામે પ્રદૂષણના ગંભીર આક્ષેપો સાથે ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સારણથી સાયખા જવાના માર્ગ પર આવેલી કંપનીમાંથી ફેલાતા પ્રદૂષણને કારણે સારણ ગામના ખેડૂતોના ખેતરોમાં ઉભેલા કપાસ અને મગના પાક બળીને નષ્ટ થઈ રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ખેડૂતોના જણાવ્યા મુજબ પ્રદૂષણના કારણે તેમની મહેનત પર પાણી ફરી વળ્યું છે. અને ભારે આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માત્ર ખેતીના પાકને જ નહીં, પરંતુ આસપાસના વૃક્ષો, વનસ્પતિ અને સમગ્ર પર્યાવરણને પણ કંપનીના પ્રદૂષણથી ગંભીર અસર પહોંચી રહી હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે. ખેતી અને પર્યાવરણ બંને જોખમમાં મુકાતા આક્રોશિત ખેડૂતો મોટી સંખ્યામાં કંપનીના મુખ્ય ગેટ પર પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને તાત્કાલિક પ્રદૂષણ બંધ કરવાની માંગ ઉઠાવી હતી.
આ સમગ્ર મામલે સારણ ગ્રામ પંચાયતના લેટરહેડ પર કંપનીને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતો અને ગ્રામજનોએ વાગરા મામલતદારને આવેદનપત્ર પાઠવી સમગ્ર ઘટનાની નિષ્પક્ષ અને કડક તપાસ કરવાની, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તેમજ પ્રદૂષણના કારણે ખેડૂતોને થયેલા પાકના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ હેમાની કંપનીના પ્રદૂષણને કારણે ખેડૂતોને નુકસાન થતું હોવાના આક્ષેપો થયા હતા. છેલ્લા બે વર્ષથી કંપની બંધ હોવાથી ખેતીને કોઈ નુકસાન ન થયું હોવાનું ખેડૂતોનું કહેવું છે, પરંતુ કંપની ફરી શરૂ થતાં જ પ્રદૂષણની સમસ્યાએ ફરી માથું ઊંચકતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે ખેડૂતોના પાક અને પર્યાવરણને થતા નુકસાન માટે જવાબદાર કોણ? શું તંત્ર માત્ર તપાસના વચનો આપશે કે પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કડક કાર્યવાહી કરીને ખેડૂતોને ન્યાય અપાવશે?
ખેડૂતો અને ગ્રામજનોમાં એવી માંગ ઉઠી રહી છે કે GPCB સમગ્ર મામલે કોઈપણ દબાણ વિના તથ્યસ્થ અને વૈજ્ઞાનિક તપાસ કરે, હવા અને જમીનના નમૂનાઓની ચકાસણી કરીને પ્રદૂષણ માટે જવાબદાર તત્ત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરે. સાથે જ જો તપાસમાં કંપનીના કારણે ખેડૂતોના પાક અને પર્યાવરણને નુકસાન થયાનું સાબિત થાય, તો જવાબદારો સામે દંડાત્મક પગલાં ભરવાની અને ખેડૂતોને યોગ્ય વળતર અપાવવાની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની અપેક્ષા છે.




Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com