નર્મદા: ઉપરવાસ વિસ્તારમાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે આ સીઝનમાં પ્રથમ વખત મોહન નદી ગાંડીતૂર બની છે. નદીમાં આવેલા ભારે પૂરના કારણે ગારદા અને મોટા જાંબુડાને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે.
ગારદાથી મંડાળા ગામને જોડતા માર્ગ પર પણ પાણી ફરી વળતાં જનજીવન પર સીધી અસર જોવા મળી રહી છે. ખાસ કરીને હનુમાનજી ના મંદિર પાસે આવેલા નાળા પર પાણીનો પ્રવાહ વધી જતાં રસ્તો જોખમી બની ગયો છે. સુરક્ષાના કારણોસર સ્થાનિકોએ અવરજવર ટાળવાની ફરજ પડી છે.
આ પરિસ્થિતિના કારણે શાળા-કોલેજમાં અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ તેમજ રોજગાર માટે નીકળેલા નોકરિયાતો રસ્તામાં જ અટવાઈ ગયા હતા. અનેક લોકોને લાંબો સમય રસ્તો ખુલવાની રાહ જોવી પડી હતી, જેના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
સ્થાનિકોએ તંત્રને પાણી ઉતરે ત્યાં સુધી જોખમી સ્થળોએ બેરિકેડિંગ, પોલીસ બંદોબસ્ત અને સતત દેખરેખ રાખવાની માંગ કરી છે. સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પણ સાવચેતી રાખવા અને બિનજરૂરી રીતે પાણી માંથી પસાર ન થવા અપીલ કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી હોવાથી આગામી કલાકોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બનવાની આશંકા સેવાઈ રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com