Geo Gujarat News

શિક્ષણ માફિયાઓ સામે યુવા આક્રોશ, ભરૂચના યુવકે પીએમઓ સામે મંડ્યો મોરચો, પેપર લીક અને પોલીસ દમનગીરી સામે ૧૫ દિવસનું અલ્ટીમેટમ

દેશની શિક્ષણ વ્યવસ્થા આજે વેપારીકરણ, ભ્રષ્ટાચાર અને પેપર લીકના કાળા કારોબારની ભેટ ચડી ચૂકી છે. લાખો રૂપિયાની પ્રાઇવેટ ફી અને રાત-દિવસની અથાક મહેનત પછી જ્યારે પેપર લીક થાય છે, ત્યારે માત્ર પરીક્ષા રદ નથી થતી પરંતુ લાખો હોનહાર યુવાનોનું મનોબળ, સપના અને ભવિષ્ય કચડાઈ જાય છે. આ અન્યાય સામે અવાજ ઉઠાવતા યુવાનો પર સરકારી તંત્ર અને પોલીસ દ્વારા આચરવામાં આવતી બર્બરતાએ હવે તમામ સીમાઓ વટાવી દીધી છે. ૨૦ જુલાઈના રોજ દિલ્હીમાં શાંતિપૂર્ણ રીતે ન્યાય માગવા એકઠા થયેલા નિહત્થા વિદ્યાર્થીઓ, મહિલાઓ અને બાળકો પર પોલીસે આચરેલું દમન અત્યંત શરમજનક છે. નિયમ મુજબ કમરની નીચે વાપરવાની પેલેટ ગન સીધી યુવાનોના ચહેરા અને છાતી પર ચલાવવામાં આવી હતી. આ બર્બરતા અને ભ્રષ્ટાચાર સામે હવે ભરૂચના એક આક્રોશિત યુવકે સીધો પીએમઓ (PMO) સામે મોરચો માંડીને દેશના યુવાનોનો અવાજ બુલંદ કર્યો છે.પીએમઓને મોકલેલા આ પત્રમાં ભરૂચના યુવાને અત્યંત કડક અને સ્પષ્ટ ૪ માંગણીઓ રજૂ કરીને સરકારને ૧૫ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે પેપર લીક કૌભાંડ માટે જવાબદાર ભ્રષ્ટ શિક્ષણ મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક અસરથી બરતરફ કરી જેલ ભેગા કરવામાં આવે, તેમજ દિલ્હીમાં અહિંસક આંદોલનકારીઓ પર જીવલેણ હુમલો કરનારા ક્રૂર પોલીસ અધિકારીઓ સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે. આ ઉપરાંત, વડાપ્રધાન પોતે દિલ્હીમાં આંદોલનકારી યુવાનો વચ્ચે જઈને સીધો સંવાદ કરે અને પેપર લીકની નિરાશામાં આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારજનોને સરકારી નોકરી તથા મફત શિક્ષણની લેખિત ગેરંટી આપે. યુવાનોએ આ માંગણીઓ પર ૧૫ દિવસમાં લેખિત જવાબ માંગ્યો છે. હવે સવાલ એ ઊભો થાય છે કે શું પીએમઓ આ કડક પત્રની ગંભીર નોંધ લઈને ભ્રષ્ટ અધિકારીઓ અને શિક્ષણ માફિયાઓ પર કાયદાનું બુલડોઝર ચલાવશે, કે પછી દર વખતની જેમ યુવાનોના અવાજને લાઠીઓ અને બળપ્રયોગથી દબાવી દેવામાં આવશે? દેશની જનતા અને યુવાવર્ગ હવે આ આરપારની લડાઈના પરિણામની રાહ જોઈ રહ્યો છે.

 

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!