Geo Gujarat News

વાગરા: સંભેટી ગામના તળાવમાં સેંકડો માછલાંના મોતથી ગ્રામજનોમાં રોષ, શિવાલિક રસાયણ લિમિટેડ સામે ગંભીર આક્ષેપ!

વાગરા તાલુકાના સંભેટી ગામમાં પર્યાવરણને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામના તળાવમાં એકસાથે સેંકડો માછલાં મૃત હાલતમાં તરતાં જોવા મળતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ નજીકમાં આવેલી Shivalik Rasayan Limited કંપની સામે કેમિકલયુક્ત પાણી છોડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વાગરા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. અને તળાવના પાણીના નમૂનાઓ એકત્ર કરી તપાસ શરૂ કરી હતી. હવે સમગ્ર વિસ્તારમાં લોકોની નજર તપાસના પરિણામો પર ટકેલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે, કંપની દ્વારા લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે. કંપની પાસે અસરકારક ETP ની વ્યવસ્થા જ નથી અને ઝેરી પાણી સીધું ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીની આસપાસ અનેક સ્થળોએ કેમિકલયુક્ત પાણી અને દુર્ગંધનો માહોલ જોવા મળ્યો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, અગાઉ તળાવમાં આવતું પ્રદૂષિત પાણી રોકવા માટે ગામલોકોએ પોતાના ખર્ચે પાળો બાંધ્યો હતો. પરંતુ વરસાદ અને પાણી ઓવરફ્લોના કારણે કેમિકલયુક્ત પાણી ફરી તળાવમાં ઘૂસી ગયું હોવાનું તેઓ કહી રહ્યા છે. જેના પરિણામે મોટી સંખ્યામાં માછલાંના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.ગ્રામજનોએ વધુમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે કંપનીમાંથી નીકળતા વાયુ પ્રદૂષણના કારણે આસપાસના અનેક વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે. હવા અને પાણી બંને પ્રદૂષિત થતાં સમગ્ર ગામના પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. દુર્ગંધ એટલી અસહ્ય બની ગઈ છે કે લોકોનું સામાન્ય જીવન પણ મુશ્કેલ બન્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી જેઓ કંપની ખાતે પહોંચ્યા હતા. અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે જ્યાં કંપની કાર્યરત છે તે વિસ્તાર મૂળ એન્જિનિયરિંગ ઝોન તરીકે ઓળખાય છે, છતાં ત્યાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે. આ સમગ્ર મુદ્દો તપાસનો વિષય હોવાનું તેઓ જણાવી રહ્યા છે. અને સંબંધિત વિભાગો દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. કંપની સામેના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે. ઘટનાની સત્તાવાર હકીકત GPCBની તપાસ અને સંબંધિત સરકારી તંત્રના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!