Geo Gujarat News

આમોદ તાલુકામાં વરસાદી સ્થિતિનો ધારાસભ્ય ડી. કે. સ્વામીએ સ્થળ પર જઈ તાગ મેળવ્યો: પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ખેડૂતોને વળતર અપાવવાની ખાતરી આપી

આમોદ તાલુકામાં છેલ્લા બે-ત્રણ દિવસથી સતત વરસી રહેલા ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી આવેલા વરસાદી પાણીના કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત બન્યું છે. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતાં લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી, જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી. કે. સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. બુવા, આછોદ, કાંકરિયા, પુરસા, માનસંગપરા તેમજ ઢાઢર નદી કિનારે આવેલા જુનાવાડિયા, દાદાપોર, વાસણા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી.મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતાં ઉભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય ડી. કે. સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે. તેમણે અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. ગ્રામજનોએ પણ ધારાસભ્ય દ્વારા વરસાદ વચ્ચે ગામડાઓમાં પહોંચી પરિસ્થિતિનો જાતે તાગ મેળવવાની કામગીરીને આવકારી હતી અને વહેલી તકે નુકસાનનું સર્વેક્ષણ કરી ખેડૂતોને સહાય મળે તેવી આશા વ્યક્ત કરી હતી. હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને સંવેદનશીલ વિસ્તારો પર સતત નજર રાખવામાં આવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!