Skip to main content

Geo Gujarat News

મોતની છલાંગ કે કાળનું નિમંત્રણ? આમોદના મગરવાળા તળાવમાં માસૂમ બાળકો રમી રહ્યા છે જિંદગીની ‘અંતિમ બાજી’!

આમોદ પંથકમાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેણે વહીવટી તંત્રની ગંભીર બેદરકારીને ઉજાગર કરી છે. શહેરના વાવડી ફળિયા વિસ્તારમાં આવેલા વિશાળ તળાવમાં ખૂંખાર મગરોનું સામ્રાજ્ય ધમધમી રહ્યું છે, તેમ છતાં નાદાન માસૂમ બાળકો પોતાના પ્રાણ જોખમમાં મૂકીને તળાવની ફરતે ઊભી કરાયેલી લોખંડની જાળીઓને કૂદીને સીધા જ જળસપાટી પર ઉતરી રહ્યા છે અને બેફામ બનીને મચ્છી પકડવાની અવિચારી હરકતો કરી રહ્યા છે. શિકારી મગરોથી માત્ર ફૂટ કે ઇંચના અંતરે ચાલતી આ જીવલેણ રમત ગમે ત્યારે મોટી કરુણાંતિકાને નોતરી શકે છે.અન્ય રાજ્યોમાં મગર દ્વારા બાળકોને ફાડી ખાવાની ઘટનાઓની શાહી હજુ સૂકાઈ નથી, છતાં આમોદનું સ્થાનિક વહીવટી તંત્ર અને નગરપાલિકા ગાઢ નિદ્રામાંથી જાગવાનું નામ નથી લઈ રહ્યા. તળાવ ફરતે પ્રોટેક્શન વોલ અને જાળીઓ હોવા છતાં બાળકો અંદર પ્રવેશતા હોવાથી સવાલો ઉઠી રહ્યા છે કે ત્યા તૈનાત સિક્યુરિટી ગાર્ડ્સ શું કરી રહ્યા છે અને તંત્રની સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પૂરતી જ સીમિત છે કે શું? સ્થાનિક જાગૃત નાગરિકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે કે કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોયા વગર તંત્ર ત્વરિત પગલાં ભરે.આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ રૂપે તળાવમાં રહેલા મગરોનું તાત્કાલિક ધોરણે સુરક્ષિત સ્થાનાંતરણ કરવામાં આવે, તળાવની આસપાસ કડક બંદોબસ્ત અને સિક્યુરિટી ગાર્ડ્સનું સઘન પેટ્રોલિંગ સુનિશ્ચિત કરવામાં આવે, ચેતવણીરૂપ મોટા બોર્ડ લગાવવામાં આવે તેમજ તળાવ ફરતે એવી મજબૂત અને ઊંચી સુરક્ષા જાળીઓ ઊભી કરવામાં આવે કે અનધિકૃત પ્રવેશ સંપૂર્ણપણે અટકી શકે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!