ભરૂચ જિલ્લાના આમોદ મુકામે જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રતનો પાવન પ્રારંભ થઈ ચૂક્યો છે. હિન્દુ ધર્મમાં આ વ્રતનું વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ રહેલું છે. ખાસ કરીને નાની બાળાઓ અને કન્યાઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન તેમજ મનગમતા વરની પ્રાપ્તિ માટે માતા પાર્વતીની શ્રદ્ધાભાવે આરાધના કરે છે.
પાંચ દિવસીય આ વ્રત દરમિયાન બાળાઓ અલૂણા વ્રત રાખી મોળું ભોજન ગ્રહણ કરે છે અને નિયમ-સંયમ સાથે ભગવાન શિવ તથા માતા પાર્વતીની ઉપાસના કરે છે. આજે વ્રતના પ્રથમ દિવસે વહેલી સવારથી જ આમોદના વિવિધ શિવ મંદિરોમાં બાળાઓ અને મહિલાઓની ભારે ભીડ જોવા મળી હતી.
ભક્તોએ શિવ-પાર્વતીની વિધિવત પૂજા-અર્ચના કરી, જવારા વાવી પરિવારના સુખ, સમૃદ્ધિ, આરોગ્ય અને કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી. મંદિરોમાં ભજન, આરતી અને ધૂનના મધુર સ્વરો વચ્ચે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.
આગામી પાંચ દિવસ સુધી આમોદ શહેરમાં ગૌરી વ્રતને લઈને ભક્તિ, આસ્થા અને ધાર્મિક ઉત્સાહનો અનોખો માહોલ જોવા મળશે. વ્રતના અંતિમ દિવસે બાળાઓ પરંપરાગત વેશભૂષામાં ગરબા રમી અને જવારાનું વિસર્જન કરી માતા ગૌરીના આશીર્વાદ પ્રાપ્ત કરશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com