Skip to main content

Geo Gujarat News

આમોદ પંથકમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ: તંત્ર દ્વારા જોખમી માર્ગો બંધ કરાયા, મામલતદારનો કાફલો મેદાને

હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી અને ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદના પગલે આમોદ પંથકમાં છેલ્લા બે દિવસથી સર્જાયેલી જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખી વહીવટી તંત્ર પૂરજોશમાં સજ્જ બન્યું છે. આમોદથી પૂરસા, કાંકરિયા, માનસંગપુરા અને બુવા તરફ જતા માર્ગો પર વરસાદી પાણી ફરી વળતાં વાહનચાલકો માટે મોટું જોખમ ઊભું થયું છે. ખાસ કરીને આઈટીઆઈ આસપાસના અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રસ્તાઓ અને ખેતરો વચ્ચેનો તફાવત ભૂંસાઈ ગયો છે, જેના કારણે ખેતીની જમીનો જાણે વિશાળ તળાવમાં ફેરવાઈ ગઈ હોય તેવો ડરામણો માહોલ સર્જાયો છે. બુવા ગામ પાછળ આવેલી ખાડીમાં પાણીનું સ્તર ઉપર જવાના કારણે તથા આમોદ-પૂરસા રોડ લો-લાયિંગ વિસ્તાર હોવાથી પાણી ફરી વળતાં નાગરિકોની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે આ બંને મહત્વના માર્ગો હાલ પૂરતા વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.પરિસ્થિતિની ગંભીરતાને પારખીને આમોદ મામલતદાર ડૉ. મયુર વડિયા સહિતનો પોલીસ કાફલો અને વહીવટી અધિકારીઓ સતત સ્થળ પર હાજર રહીને પંથકમાં ચાંપતી નજર રાખી રહ્યા છે. ઉપરવાસના ડેમોની સ્થિતિ પર દર બે કલાકે મોનિટરિંગ કરીને સોશિયલ મીડિયા, ગ્રામ પંચાયતના સરપંચો તેમજ તલાટીઓના માધ્યમથી નાગરિકોને નદીના જળસ્તર અને પંથકની વાસ્તવિક પરિસ્થિતિ વિશે સતત માહિતગાર કરવામાં આવી રહ્યા છે.કોઈપણ આકસ્મિક આપત્તિને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા ખાસ ટીમો બનાવી દેવાઈ છે, ત્યારે નીચાણવાળા વિસ્તારોમાંથી જરૂર પડ્યે નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા માટે આશ્રયસ્થાનો ખાતે રહેવા, પીવાનું પાણી, ભોજન અને આરોગ્યની વિશેષ ટીમો જેવી તમામ આવશ્યક સુવિધાઓ અગાઉથી જ સુનિશ્ચિત કરી દેવામાં આવી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!