Skip to main content

Geo Gujarat News

આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની ૨૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ: રૂ. ૧૩.૩૬ લાખથી વધુનો ચોખ્ખો નફો નોંધાતા સભાસદોમાં ખુશી

આમોદ નગરની અગ્રણી અને નામના મેળવનાર સહકારી સંસ્થા ‘આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ’ ની વર્ષ ૨૦૨૫-૨૬ ની ૨૭મી વાર્ષિક સાધારણ સભા રવિવારે બપોરે ૩:૦૦ કલાકે સંસ્થાના કાર્યાલય ‘વેપારી ભવન’ ખાતે ખૂબ જ ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. સભાની શરૂઆતમાં સંસ્થાના ચેરમેન સમીરભાઈ પટેલની સર્વાનુમતે સાધારણ સભાના પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી. તેમના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ સભાનું સફળ સંચાલન સંસ્થાના મેનેજર ભરતભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું. સભાની વિધિવત શરૂઆત પહેલાં ગત વર્ષ દરમિયાન દિવંગત પામેલા સંસ્થાના સભાસદોને બે મિનિટનું મૌન પાળી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારબાદ ગત વર્ષની વાર્ષિક સાધારણ સભાના અહેવાલનું વાંચન કરી તેને સર્વાનુમતે બહાલી આપવામાં આવી હતી અને વર્ષ દરમિયાન થયેલી ઉત્કૃષ્ટ કામગીરી પર નજર ફેરવવામાં આવી હતી.સભામાં વર્ષ ૨૦૨૫-૨૬ ના વાર્ષિક હિસાબો અને નાણાકીય કામગીરી અંગે વિગતવાર અને પારદર્શક માહિતી રજૂ કરવામાં આવી હતી. સંસ્થાએ ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કુલ રૂ. ૧૩,૩૬,૮૫૪ નો મજબૂત ચોખ્ખો નફો નોંધાવ્યો હોવાનું સત્તાવાર રીતે જાહેર કરવામાં આવતા જ ઉપસ્થિત તમામ સભાસદો અને ડિરેક્ટરોમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી. સૌએ તાળીઓના ગડગડાટ સાથે સંસ્થાની આ જબરદસ્ત સફળતાને વધાવી લીધી હતી. સંસ્થાના ચેરમેન સમીરભાઈ પટેલે આ પ્રસંગે સંસ્થાની આ પ્રગતિમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી બનેલા તમામ સભાસદો, ડાયરેક્ટરો અને કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સંસ્થાના વાઇસ ચેરમેન મેહબૂબ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે, ૧૯૯૯ માં સ્થપાયેલી આ સંસ્થાએ ઉત્તરોત્તર અદભુત પ્રગતિ કરી છે અને આગામી સમયમાં આ સંસ્થા માત્ર જિલ્લા કક્ષાએ જ નહીં, પરંતુ સમગ્ર રાજ્ય કક્ષાએ સહકારી ક્ષેત્રે સર્વોચ્ચ નામના મેળવે તેવી દ્રઢ આશા વ્યક્ત કરી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ નગર વેપારી કો-ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આર્થિક સધ્ધરતા અને સુદૃઢ આયોજન આજે સમગ્ર સહકારી જગતમાં એક મિસાલ સમાન બની ગયું છે. સંસ્થાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેણે સ્થાપનાકાળથી આજદિન સુધી ક્યારેય પણ બેંક કે અન્ય નાણાકીય સંસ્થા પાસેથી કોઈ કરજ લીધું નથી, પરંતુ માત્ર પોતાની સ્વમૂડીના આધારે જ સભાસદોને ધિરાણ પૂરું પાડ્યું છે. કોઈપણ બહારની નાણાકીય સહાય કે દેવા વગર સ્વબળે આગળ વધતી આ સંસ્થાની વિશ્વસનીય કામગીરીથી સભાસદોમાં પણ ભારે સંતોષ જોવા મળ્યો હતો. આ મહત્વપૂર્ણ વાર્ષિક સાધારણ સભામાં સંસ્થાના વાઇસ ચેરમેન મેહબૂબભાઈ પટેલ, મેનેજિંગ ડિરેક્ટર વસંતભાઈ પ્રજાપતિ, વિવિધ ડિરેક્ટરો, મોટી સંખ્યામાં સભાસદો તથા ઉત્સાહી કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. સભાના અંતે સહકારી ભાવના સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!