બેફામ કાર બની કાળ! નિર્દોષ યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું! વાગરા તાલુકાના મુલેર–દહેજ હાઇવે પર આવેલા ચોગ્લે સોલ્ટ કંપની નજીક હિટ એન્ડ રનનો હૃદયદ્રાવક બનાવ સામે આવ્યો છે. બેફામ ગતિએ દોડી રહેલી અજાણી સિલ્વર રંગની કારના ચાલકે એક રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કારચાલક કોઈપણ પ્રકારની મદદ કર્યા વિના સ્થળ પરથી ફરાર થઈ જતાં સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, ત્રાંકલ ગામના રહેવાસી રમેશભાઈ રણછોડભાઈ ભાલીયા ત્રાંકલ પાટિયા નજીક આવેલી કેબિન પાસેથી ચોગ્લે સોલ્ટ કંપની તરફ કુદરતી હાજતે ગયા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવી રહેલી એક સિલ્વર કલરની અજાણી કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, રમેશભાઈને માથા સહિત શરીરના વિવિધ ભાગોમાં જીવલેણ ઇજાઓ પહોંચતા તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
ચોગ્લે સોલ્ટ પાસે બેદરકાર ડ્રાઇવિંગનો ભોગ બન્યો રાહદારી, પોલીસ કારચાલકની શોધમાં: ઘટના બાદ કારચાલક પોતાની ઓળખ છુપાવવા વાહન સાથે સ્થળ પરથી નાસી છૂટ્યો હતો. મૃતકના ભાઈ દરશનભાઈ રણછોડભાઈ ભાલીયાની ફરિયાદના આધારે વાગરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કારચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ફરાર આરોપીને શોધવા માટે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા અને અન્ય તપાસના આધારે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફેલાવ્યો છે. બેફામ અને બેદરકાર વાહનચાલકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમજ હાઇવે પર સુરક્ષાના અસરકારક પગલાં ભરવામાં આવે તેવી લોક માંગ ઉઠી રહી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com