Skip to main content

Geo Gujarat News

આઝાદીના દાયકાઓ પછી પણ નર્મદાનું ‘ખુતા આંબા’ ગામ વિકાસથી વંચિત: નેતાઓના વાયદા માત્ર કાગળ પર, ગ્રામજનોમાં રોષ!

દેશને આઝાદી મળ્યાને લાંબા દાયકાઓ વીતી ગયા છે અને સરકાર દ્વારા વિકાસના મોટા-મોટા દાવા કરવામાં આવે છે, પરંતુ હકીકત કેટલી કડવી છે તેની સાક્ષી પૂરે છે નર્મદા જિલ્લાના ડુંગરાળ વિસ્તારમાં આવેલું ખુતા આંબા ગામ. ડુંગરો વચ્ચે વસેલા આ ગામના લોકો આજે પણ પાયાની સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે અને ગામની દુર્દશા જોઈને એમ લાગે કે જાણે વિકાસ અહીં ક્યારેય પહોંચ્યો જ નથી.ગામલોકોના આક્ષેપ મુજબ, વર્ષોથી ચૂંટાઈને આવતા લોકપ્રતિનિધિઓ માત્ર ચૂંટણી ટાણે જ મત માંગવા આવે છે અને ચૂંટણી પૂરી થતાં જ તમામ વાયદાઓ કાગળ પર જ દબાઈ જાય છે. ગામમાં કરોડો રૂપિયાના વિકાસના દાવા પોકળ સાબિત થયા છે, કેમ કે સરકારે બનાવેલું શૌચાલય આજે ખંડેરમાં ફેરવાઈ ગયું છે અને પશુ દવાખાનાની ઇમારત પણ અત્યંત બિસ્માર હાલતમાં હોવાથી પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે.પરિવહનની વાત કરીએ તો, ગામમાં પહોંચવાનો મુખ્ય માર્ગ અત્યંત જોખમી બની ગયો છે અને રસ્તા પર આવેલું નાળું તૂટેલી હાલતમાં હોવાથી ચોમાસા દરમિયાન ગ્રામજનોનો બાકીના વિસ્તાર સાથેનો સંપર્ક તૂટી જાય છે. આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ, દર્દીઓ, સગર્ભાઓ અને વડીલોએ જીવના જોખમે અવરજવર કરવી પડે છે. અદભુત સંસાધનો અને અનેક રજૂઆતો છતાં તંત્ર અને નેતાઓની ઉદાસીનતાથી કંટાળીને ગ્રામજનો હવે સવાલો કરી રહ્યા છે કે અમારા નસીબમાં ક્યારે વિકાસ આવશે? હવે લોકઆક્રોશ વચ્ચે ગ્રામજનોની એક જ માંગ છે કે ખંડેર ઇમારતોનું સમારકામ થાય, તૂટેલું નાળું અને રસ્તો સુધરે અને ખુતા આંબા ગામને પણ વિકાસની મુખ્યધારામાં જોડવામાં આવે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!