Skip to main content

Geo Gujarat News

વાગરાના કલમ ગામે ઘરેલુ હિંસાનો કાંડ! બહેનનું પક્ષ લઈ પત્ની પર લાકડાના સપાટાથી હુમલો, પતિ-નણંદ સામે પોલીસ ફરિયાદ

વાગરા તાલુકાના કલમ ગામે ઘરેલુ ઝઘડો હિંસક સ્વરૂપ ધારણ કરતાં એક પરિણીતાને પોતાના જ પતિના મારનો ભોગ બનવાનો વારો આવ્યો છે. બહેનનું પક્ષ લઈ પત્ની પર લાકડાના સપાટાથી હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથે પીડિતાએ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, કલમ ગામના મંદિર ફળિયામાં રહેતી તનુબેન પ્રવિણભાઈ રાઠોડ અને તેમની નણંદ ટીનીબેન પુનાભાઈ રાઠોડ વચ્ચે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન પતિ પ્રવિણભાઈએ પોતાની બહેનનું સમર્થન કરી પત્ની સાથે ઝઘડો શરૂ કર્યો અને લાકડાના સપાટાથી તેમના ડાબા પગે માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. મારના કારણે ઈજા પહોંચતાં તનુબેન તેમના ભાઈ આર્યન સાથે દવા લેવા વાગરા ગયા હતા. સારવાર બાદ ઘરે પરત ફરતાં ફરીથી ઘરમાં તણાવનું વાતાવરણ સર્જાયું. ફરિયાદ મુજબ, નણંદે અગાઉના ઝઘડાની અદાવત રાખી ભાભીને ગાળો બોલી પોતાના ભાઈને ઉશ્કેર્યા હતા. ત્યારબાદ પ્રવિણભાઈએ નજીકમાં પડેલો લાકડાનો સપાટો ઉઠાવી પત્નીના માથા પર ફટકો મારતાં તેઓ જમીન પર પટકાઈ ગયા હતા.ફરિયાદ અનુસાર, ત્યારબાદ પણ હુમલો ચાલુ રાખી પતિએ પગ અને શરીરના અન્ય ભાગોમાં માર માર્યો હતો. પોતાનો બચાવ કરવા હાથ આડા કરતાં તનુબેનને હાથ, કોણી, પોંચા અને પગના ભાગે મૂઢ ઈજાઓ પહોંચી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે તનુબેને પોતાના પતિ પ્રવિણભાઈ રાઠોડ અને નણંદ ટીનીબેન પુનાભાઈ રાઠોડ વિરુદ્ધ વાગરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પારિવારિક મતભેદો હિંસામાં પરિવર્તિત થવાની આ ઘટના ફરી એકવાર ઘરેલુ હિંસાના વધતા બનાવો અંગે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે સમગ્ર મામલે પોલીસ તપાસ બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!