Skip to main content

Geo Gujarat News

આમોદ તાલુકા પંચાયત કચેરીમાં તણાવનો વિસ્ફોટ! કોંગ્રેસ પ્રમુખ સહિત બે સામે ગુનો નોંધાયો, ફરિયાદને પ્રમુખ નરેન્દ્ર પટેલે ગણાવી ખોટી અને પાયાવિહોણી!

ગુજરાતના રાજકારણ અને સ્થાનિક વહીવટી તંત્ર વચ્ચે ફરી એકવાર ઘર્ષણ સામે આવ્યું છે. આમોદ તાલુકા પંચાયત કચેરીમાં બનેલી ઘટનાના પગલે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલ સામે સરકારી કર્મચારીને ફરજ બજાવવામાં અવરોધ, ધમકી તથા સરકારી કામગીરીમાં દખલગીરી સહિતની વિવિધ કલમો હેઠળ આમોદ પોલીસ મથકે ગુનો નોંધાતા સમગ્ર વિસ્તારમાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે.ફરિયાદ મુજબ ગત 4 ઓગસ્ટ, 2026ના રોજ બપોરના સમયે તાલુકા વિકાસ અધિકારી પોતાની કચેરીમાં સરકારી ફરજ બજાવી રહ્યા હતા. તે દરમિયાન નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી અને ચિંતન પટેલ કચેરીમાં પહોંચ્યા હતા. તાલુકા વિકાસ અધિકારીના આક્ષેપ મુજબ બંનેએ ઉગ્ર બોલાચાલી કરી, અપશબ્દો ઉચ્ચાર્યા, ધમકી આપી અને કચેરીમાં હોબાળો મચાવી સરકારી કામગીરીમાં વિક્ષેપ ઉભો કર્યો હતો. ઘટનાના અનુસંધાને તાલુકા વિકાસ અધિકારીએ આમોદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવતા પોલીસે સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.તો બીજી તરફ, સમગ્ર ઘટનાને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ (કાજી)એ મીડિયા સમક્ષ નિવેદન આપતા પોલીસ ફરિયાદને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલી ફરિયાદ તદ્દન ખોટી, પાયાવિહોણી અને હકીકતથી વિપરીત છે. તેમના જણાવ્યા મુજબ તાલુકા પંચાયત સભ્ય ચિંતન પટેલને નોકરી સંબંધિત બાબતે તાલુકા વિકાસ અધિકારીએ પોતે જ ચર્ચા માટે બોલાવ્યા હતા, જેના અનુસંધાને તેઓ માત્ર રજૂઆત કરવા અને મુદ્દાની ચર્ચા કરવા કચેરીએ ગયા હતા. પરંતુ સમગ્ર ઘટનાને ખોટી રીતે રજૂ કરી રાજકીય કિન્નખોરી રાખી તેમની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે. આ ઘટનાએ સ્થાનિક રાજકીય અને વહીવટી વર્તુળોમાં અનેક સવાલો ઉભા કર્યા છે. એક તરફ સરકારી અધિકારી દ્વારા ફરજમાં અવરોધ અને ધમકીના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, તો બીજી તરફ કોંગ્રેસના સ્થાનિક આગેવાને ફરિયાદને રાજકીય અને તથ્યવિહોણી ગણાવી છે. હાલ બંને પક્ષો પોતાના-પોતાના દાવા પર અડગ છે. જોકે હાલ પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન મળતા પુરાવા, સાક્ષીઓના નિવેદનો અને અન્ય તથ્યોના આધારે હકીકત શું છે તે સ્પષ્ટ થશે. ત્યાં સુધી આ સમગ્ર મામલામાં બંને પક્ષોના દાવા અને આક્ષેપોને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થાય તેની રાહ જોવી જરૂરી છે.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!