જંબુસર તાલુકાના દહેગામ ગામે માનવતા અને સામાજિક સંવેદનાની એવી સરાહનીય તસવીર સામે આવી છે, જેણે ‘માનવ સેવા એ જ પ્રભુ સેવા’ની ઉક્તિને સાર્થક કરી છે. ઉત્તર પ્રદેશથી ભટકાઈને દહેગામ પહોંચેલા અને માનસિક રીતે અસ્વસ્થ જણાતા શ્રી રામ નામના વ્યક્તિ પોતાના પરિવારથી વિખૂટા પડી ગયા હતા. અજાણ્યા અને અસહાય વ્યક્તિની સ્થિતિ જોઈ ગામના અસલમ ભાઈ, સમદ ભાઈ અને સઈદ ભાઈએ માત્ર સહાનુભૂતિ વ્યક્ત કરીને અટકી જવાને બદલે તેમને પરિવાર સુધી પહોંચાડવાનો સંકલ્પ કર્યો. કોઈ સ્વાર્થ કે અપેક્ષા વિના શરૂ કરાયેલા આ પ્રયાસોમાં સતત મહેનત, સતર્કતા અને માનવતાનો પરિચય આપતા યુવાનોએ અંતે શ્રી રામના પરિવારજનોની ભાળ મેળવી હતી.
યુવાનોની આ નિષ્ઠાવાન મહેનત રંગ લાવી અને લાંબા સમયથી વિખૂટા પડેલા શ્રી રામનું તેમના પરિવાર સાથે હેમખેમ પુનઃમિલન કરાવવામાં આવ્યું. સ્વજનને પરત મેળવતા પરિવારજનોની આંખોમાં છલકાયેલો આનંદ આ સમગ્ર પ્રયાસની સૌથી મોટી સિદ્ધિ બની રહ્યો. દહેગામના અસલમ ભાઈ, સમદ ભાઈ અને સઈદ ભાઈની આ પહેલ માત્ર એક વ્યક્તિને તેના પરિવાર સુધી પહોંચાડવાની ઘટના નથી, પરંતુ સમાજમાં માનવતા હજુ પણ જીવંત છે તેનો પ્રેરણાદાયી સંદેશ છે. અજાણ્યા વ્યક્તિને પોતાનો માની તેની મદદે દોડી આવેલા આ યુવાનોની સંવેદનશીલતા અને સામાજિક જવાબદારી સમગ્ર પંથક માટે અનુસરણિય ઉદાહરણ બની છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com