શુક્લતીર્થ-કરજણ વિસ્તારમાં કડોદ મોટા નાળાં પાસેથી નદી તરફ જતો મુખ્ય વરસાદી કાંસ લાંબા સમયથી સફાઈ વગર બિસ્માર હાલતમાં પડ્યો હોવાથી આસપાસના ૧૦ જેટલા ગામોના ખેડૂતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. પ્રિ-મોન્સૂન કામગીરીના અભાવે કાંસમાં ઝાડી-ઝાખરા અને ગાંડા બાવળોનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે, જેના કારણે નિકાલ રૂંધાતાં કડોદ મોટી ખાડીનો કાંસ ફાટી ગયો છે. આ સિચ્યુએશનને લીધે હજારો એકર ખેતીની જમીનમાં પાણી ફરી વળ્યા છે અને ખેતરો તળાવ કે સરોવરમાં ફેરવાઈ જતાં ખેડૂતોને ચોમાસું પાક નિષ્ફળ જવાની સાથે શિયાળુ વાવેતર પણ બે-ત્રણ મહિના પાછળ ઠેલાવાની ભીતિ સતાવી રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, એક તરફ નર્મદા કેનાલોના ઊંચા પાળા અને બીજી તરફ છીછરા બનેલા કાંસના કારણે વરસાદી પાણીનો ઝડપી નિકાલ થતો નથી. ઉપરાંત, કરજણ તરફનો આશરે ૩ કિલોમીટરનો મુખ્ય ડામર રસ્તો પણ અત્યંત બિસ્માર થઈ જતાં ખેડૂતો માટે અવરજવર કરવી મુશ્કેલ બની ગઈ છે. એક તરફ જંગલી પ્રાણીઓનો ત્રાસ અને બીજી તરફ તંત્રની બેદરકારીને કારણે ખેતી પર આર્થિક સંકટ ઘેરું બન્યું છે. જેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ કાંસ ઊંડો કરી તેની સફાઈ કરવામાં આવે અને રસ્તાનું સમારકામ હાથ ધરાય તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com