ભરૂચ જિલ્લામાં પડેલા મુશળધાર વરસાદે અંકલેશ્વર પંથકના ખેડૂતોની કમર ભાંગી નાખી છે. મેઘરાજાએ બે દિવસથી વિરામ લીધો હોવા છતાં ખેતરોમાં પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. અંકલેશ્વર અને આસપાસના સીમ વિસ્તારમાં ૨૦૦ એકરથી વધુ જમીન સંપૂર્ણપણે બેટમાં ફેરવાઈ ગઈ છે. ડ્રોન કેમેરામાં ચોતરફ જળબંબાકારની સ્થિતિ સ્પષ્ટ જોઈ શકાય છે. ખેતરોમાં અઠવાડિયાથી ભરાયેલા વરસાદી પાણીને કારણે કેળ, તુવેર અને શાકભાજી જેવા રોકડિયા પાકના મૂળમાં ફૂગ લાગી જતાં આખો પાક કોહવાઈને નાશ પામ્યો છે, જેનાથી જગતનો તાત ભારે આર્થિક મુશ્કેલીમાં મુકાયો છે.
મોંઘા ભાવના બિયારણ, ખાતર અને દેવું કરીને વાવેતર કરનાર ખેડૂતોની તમામ મહેનત અને મૂડી પર કુદરતી આફતે પાણી ફેરવી દીધું છે. સ્થાનિક ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતાં જણાવ્યું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે હાથ ધરવામાં નહીં આવે, તો આર્થિક બોજ હેઠળ દબાયેલા ખેડૂતો માટે બેઠા થવું અશક્ય બની જશે. સ્થાનિક રહીશો અને ખેડૂતોએ સરકાર પાસે કોઈપણ જાતના વિલંબ વિના તાકીદે સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય અને વળતર પેકેજ જાહેર કરવાની ઉગ્ર માગ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com