Skip to main content

Geo Gujarat News

વાગરા: પાદરિયા-કડોદરા કાંસમાં માછલીઓનો સામૂહિક મોતનો કહેર! કેમિકલ ડિસ્ચાર્જની આશંકાએ ઉઠાવ્યા ગંભીર સવાલો, GPCB હરકતમાં

વાગરા તાલુકાના પાદરિયા અને કડોદરા ગામ નજીક આવેલા કાંસમાં મોટી સંખ્યામાં માછલીઓ મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી છે. ઘટનાએ પર્યાવરણ સુરક્ષા અને ઔદ્યોગિક પ્રદૂષણ સામે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ઘટનાની જાણ થતાં વાગરા મામલતદાર, કડોદરા ગ્રામ પંચાયતના તલાટી-કમ-મંત્રી તેમજ GPCBના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. GPCB દ્વારા પાણીના નમૂનાઓ એકત્ર કરી લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે, જેના પરિણામો હવે સમગ્ર ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ કરશે. સ્થાનિકોનો સીધો આક્ષેપ છે કે મૃત માછલીઓ મળેલા વિસ્તાર નજીક સુપરફોર્મ (પૂર્વ UPL-12) કંપનીની ગટર લાઈન સરકારી કાંસમાં મળી રહી છે. તેમનું માનવું છે કે કંપનીમાંથી છોડાતા સંભવિત કેમિકલયુક્ત ડિસ્ચાર્જના કારણે જ જળચર જીવસૃષ્ટિનો આ સામૂહિક વિનાશ થયો હોઈ શકે છે.પાદરિયા ગામના અરુણભાઈ ગોહિલના જણાવ્યા મુજબ, સવારે મૃત માછલીઓ નજરે પડતાં તાત્કાલિક સરકારી તંત્રને જાણ કરવામાં આવી હતી. સ્થળ તપાસ દરમિયાન સ્થાનિકોએ અધિકારીઓને કંપનીના ડિસ્ચાર્જ અંગે પણ ધ્યાન દોર્યું હતું. સ્થાનિકોનો દાવો છે કે આ પહેલી ઘટના નથી. અગાઉ પણ આવી જ ઘટના બાદ GPCB દ્વારા કંપનીને નોટિસ આપવામાં આવી હતી. અને તપાસ દરમિયાન કંપનીના ગટર વિસ્તારમાંથી પણ મૃત માછલીઓ મળી આવી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે, ઘટનાની જાણ કંપનીના અધિકારીને કરવામાં આવી હોવા છતાં સંતોષકારક જવાબ મળ્યો નહીં. આક્ષેપ મુજબ, કંપની તરફથી બેદરકારીભર્યો વલણ અપનાવવામાં આવ્યું હતું.ગ્રામજનોએ મૃત માછલીઓનું પોસ્ટમોર્ટમ, Tissue અને Visceraનું વૈજ્ઞાનિક પરીક્ષણ, પાણીના નમૂનાઓનો લેબોરેટરી રિપોર્ટ જાહેર કરવા તેમજ જો કોઈ જવાબદાર સાબિત થાય તો સંબંધિત કંપની અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠાવી છે. હાલમાં માછલીઓના મોતનું ચોક્કસ કારણ સત્તાવાર રીતે જાહેર થયું નથી. કંપનીના ડિસ્ચાર્જ અંગેની વાત સ્થાનિકોની આશંકા અને આક્ષેપ પર આધારિત છે. GPCBના પરીક્ષણ અહેવાલ બાદ જ કારણ અંગે સત્તાવાર સ્પષ્ટતા થશે.ઉલ્લેખનીય છે કે પાદરિયા-કડોદરા પહેલાં પણ વાગરા તાલુકાના વીંછીયાદ અને સંભેતી ગામના તળાવોમાં સેંકડો માછલીઓના રહસ્યમય મોતની ઘટના સામે આવી હતી. તે સમયે પણ પ્રદૂષણ અને સંભવિત કેમિકલયુક્ત ડિસ્ચાર્જને લઈને અનેક સવાલો ઊભા થયા હતા. હવે ફરી એકવાર મોટી સંખ્યામાં માછલીઓના મોતની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચિંતા વધારી છે અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ વધુ પ્રબળ બની છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!