Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ત્રાલસાનું ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ બન્યું મનો દિવ્યાંગો માટે આશાનું કિરણ, રક્ષાબંધન માટે રાખડીઓ બનાવી બાળકો બનશે આત્મનિર્ભર..

ભરૂચ તાલુકાના ત્રાલસા ગામે કાર્યરત ‘અસ્મિતા વિકાસ કેન્દ્ર’ મનો દિવ્યાંગ બાળકો અને યુવાનોના જીવનમાં નવો ઉજાસ પાથરી રહ્યું છે. અમેરિકા નિવાસી પ્રવીણ પટેલ અને તેમના ધર્મપત્નીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ ચાલતી આ સંસ્થા માત્ર શિક્ષણ જ નહીં, પરંતુ વ્યવસાયલક્ષી તાલીમ આપીને વિશેષ બાળકોને સ્વાવલંબી બનાવવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. હાલ રક્ષાબંધનના પવિત્ર તહેવારને અનુલક્ષીને અહીંના બાળકો પોતાના હુનરથી અવનવી અને આકર્ષક ડિઝાઇનની રાખડીઓ તૈયાર કરી રહ્યા છે. આ રાખડીઓના વેચાણમાંથી થતી તમામ આવક સીધી જ બાળકોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે, જેથી તેમની મહેનતનો યોગ્ય બદલો મળે અને તેમનામાં આત્મવિશ્વાસનો સંચાર થાયસંસ્થાના આચાર્ય મનીષા ત્રિવેદીના જણાવ્યા અનુસાર, ૨૦ વર્ષથી વધુ વયના મનો દિવ્યાંગ યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટે ખાસ વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમાં અગરબત્તી, ફાઈલો, માટીના કોડિયાં, રાખડીઓ અને કાપડની બેગ જેવી કલાત્મક વસ્તુઓ બનાવવાનું કૌશલ્ય શીખવવામાં આવે છે. તાલીમ પૂર્ણ કર્યા બાદ સંસ્થા દ્વારા ચાર મનો દિવ્યાંગ યુવાનોને મદદનીશ પ્યુન, રસોઈયા અને માળી તરીકે સફળતાપૂર્વક રોજગારી પણ આપવામાં આવી છે, જેમને દર મહિને નિયમિત સ્ટાઈપન્ડ ચૂકવાય છે. રાજ્યભરમાંથી આવતા વિશેષ બાળકોમાં સંસ્કાર અને જીવન કૌશલ્યનું સિંચન કરતી આ સંસ્થા દયા કે દાનના બદલે સ્વનિર્ભરતા અને સન્માનપૂર્વક જીવન જીવવાનો માર્ગ કંડારી રહી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!