નવસારી જિલ્લાના એંધલ ગામના વતની નરેશ આહિર પોતાની ૧૩મી સતત સાયકલ ધાર્મિક યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લાના તવરા ગામે આવી પહોંચ્યા હતા. દર વર્ષે સાયકલ મારફતે જ એંધલથી નીકળી સૌરાષ્ટ્રના પ્રખ્યાત ધાર્મિક ધામો જેવા કે વીરપુર, જૂનાગઢ અને રાજપરા ખાતે દેવદર્શન કરવાનો તેમનો દ્રઢ નિયમ રહ્યો છે. આ શ્રદ્ધાપૂર્ણ પ્રવાસ અંતર્ગત તેઓ તવરા ગામના પૌરાણિક પાંચ દૈવી મંદિરોના દર્શનાર્થે પધાર્યા હતા, જ્યાં તેમની આ અનોખી સાયકલ યાત્રા અને અડગ ભક્તિભાવની સ્થાનિકોએ મુક્ત મને સરાહના કરી હતી.
તવરા ગામે આગમન ટાણે દક્ષિણ ગુજરાત આહિર સમાજના ઉપપ્રમુખ અને ભરૂચ જિલ્લા આહિર સમાજના પૂર્વ પ્રમુખ ડાહ્યા આહિર તેમજ ગ્રામ પંચાયતના સભ્ય મુકેશ આહિર દ્વારા નરેશભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું. શારીરિક પરિશ્રમ અને ઈશ્વર ભક્તિના અનોખા સંગમ સમી આ સાયકલ યાત્રાને કારણે તવરા ગામના ગ્રામજનો અને સમાજના શ્રેષ્ઠીઓમાં ભારે કૂતુહલ અને હર્ષની લાગણી જોવા મળી હતી. ધાર્મિક આસ્થા સાથે પર્યાવરણ અને ફિટનેસનો સંદેશ આપતી નરેશ આહિરની આ વાર્ષિક પરંપરાને સમગ્ર પંથકમાં બિરદાવવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com