સાણંદ નજીક આવેલા વડનગર ગામ પાસે ગીર ગૌશાળા અને મેવાડ પેલેસ હોટેલની પાછળ સ્થિત એક સ્ક્રેપ ગોડાઉનમાં ગત મધ્યરાત્રિએ અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઈ હતી. મોડી રાત્રે આશરે ૨:૧૦ વાગ્યાના સુમારે લાગેલી આગે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું,જેમાં ગોડાઉનમાં રાખવામાં આવેલો મોટા પ્રમાણમાં ભંગાર અને પ્લાસ્ટિક-કેમિકલ મિશ્રિત સ્ક્રેપનો જથ્થો બળીને ખાખ થઈ ગયો હતો. જોકે, બનાવ સમયે ગોડાઉનમાં કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.
ઘટનાની જાણ થતાં જ સાણંદ નગરપાલિકાનો ફાયર ફાઇટર કાફલો ઘટનાસ્થળે ધસી ગયો હતો. અગ્નિશામક જવાનોએ સતત બે કલાકથી વધુ સમય સુધી પાણીનો મારો ચલાવીને વહેલી સવારે આશરે ૪:૩૦ વાગ્યાના સુમારે આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો અને ત્યારબાદ કૂલિંગ કામગીરી પૂર્ણ કરી હતી. પ્રાથમિક તબક્કે આગ લાગવાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હોવાની શંકા સેવાઈ રહી છે. તંત્ર દ્વારા આગના સાચા કારણ અને થયેલા આર્થિક નુકસાનનું મૂલ્યાંકન કરવા તપાસ હાથ ધરવામાં આવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com