અંકલેશ્વરમાં નશાના કારોબારીઓ સામે પોલીસે લાલ આંખ કરીને વધુ એક સફળ દરોડો પાડ્યો છે. અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં આવેલા ગોયાબજાર રોડ પર દાતાર બેકરી પાસે રહેતા અબ્દુલગની ગુલામરસુલ શેખના રહેણાંક મકાનમાં પોલીસે અચાનક સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. મકાનની તલાશી દરમિયાન બેડરૂમમાંથી જ રૂ. ૬૦,૭૫૦ ની કિંમતનો ૧.૨૧૫ કિલોગ્રામ ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવતાં પોલીસે તાત્કાલિક મુદ્દામાલ કબજે કરી આરોપી અબ્દુલગની શેખની ધડપકડ કરી લીધી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે નશાનો આ જથ્થો ઓડિશાના એક અજાણ્યા શખસે અબ્દુલગનીને સપ્લાય કર્યો હતો. આ અંગે પોલીસે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટાન્સિસ (NDPS) એક્ટની કલમ ૮(c), ૨૦(b)(ii)(B) અને ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આરોપી માત્ર ગાંજાનો સંગ્રહ કરતો હતો કે પછી સ્થાનિક કક્ષાએ તેનું છૂટક વેચાણ પણ કરતો હતો તે દિશામાં તપાસ ચાલુ છે. ઓડિશાથી માલ પહોંચાડનાર ફરાર સપ્લાયરને દબોચી લેવા અને આ સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી સઘન શોધોખોળ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com