મહેસાણા તાલુકાના પાંચોટ આણંદપુરા વિસ્તારમાં જૂની અદાવત અને નાણાકીય બાબતે કારનો કાચ તોડીને રોકડની સરેઆમ ચોરી આચરવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંચોટ આણંદપુરા ખાતે રહેતા અને ખેતી તેમજ સ્કૂલવાનનો વ્યવસાય કરતા મહેશભાઈ માધવલાલ પટેલ ગત ૧ ઓગસ્ટના રોજ સાંજે બાળાવીર મંદિર પાસે સ્મશાનના ગેટ નજીક પોતાની અલ્ટો કાર લઈને ઊભા હતા. તે સમયે તેમની વાનના અન્ય ડ્રાઈવર અરવિંદજી ઠાકોર ઈકો ગાડી લઈને આવતાં, મહેશભાઈ વરસાદ અને ઉતાવળના કારણે પોતાની કાર લોક કર્યા વિના જ વ્યવહારના કામે તેમની સાથે નીકળી ગયા હતા. થોડીવાર બાદ પરત ફરીને જોતાં જ તેમની કારનો આગળનો કાચ ઈંટના રોડા મારીને ફોડી નાખવામાં આવ્યો હતો અને ડ્રોઅરમાં મુકેલા ₹૫૦ હજારની રોકડ રકમ ગાયબ હતી.
પીડિત મહેશભાઈના જણાવ્યા અનુસાર, તેઓ કાર પાર્ક કરીને ગયા ત્યારે થોડે દૂર ‘માં’ લખેલી એક સફેદ ઈકો ગાડીમાં સંદીપભાઈ હરિભાઈ ઠાકોર અને નિકુલજી ઉર્ફે સેંધાજી વિષ્ણુજી ઝાલા નામના બે શખસો બેઠેલા હતા. આ બંને શખસો અગાઉ મહેશભાઈની ગાડી પર ડ્રાઈવર તરીકે નોકરી કરતા હતા, પરંતુ દારૂ પીવાની કૂટેવ તેમજ ₹૧૮ હજારની લેવડ-દેવડના વિવાદને કારણે ચાર માસ અગાઉ જ તેમને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હતા. આ જૂની અદાવત રાખીને જ આ બંને ઈસમોએ કારનો કાચ તોડી રૂ. ૫,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું અને ડ્રોઅરમાંથી ₹૫૦ હજાર રોકડા ચોરીને ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ કરાયો છે. આ બનાવ સંદર્ભે મહેશભાઈએ મહેસાણા તાલુકા પોલીસ મથકે બંને વિરુદ્ધ નામજોગ ફરિયાદ નોંધાવતાં પોલીસે ચોરી અને તોડફોડનો ગુનો નોંધીને વધુ તપાસ ચલાવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com