Skip to main content

Geo Gujarat News

સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના કાળા કારોબાર પર પોલીસ ત્રાટકી: ‘મેટાટ્રેડર૫’ એપથી શેરબજારનો જુગાર રમાડતા ૫ ઝબ્બે, ૪૫થી વધુ દલાલો સામે ગુનો દર્જ..

સુરેન્દ્રનગરમાં શેરબજારના ભાવની વધઘટ પર ગેરકાયદેસર રીતે રમાડવામાં આવતા સટ્ટાબાજી અને ડબ્બા ટ્રેડિંગના નેટવર્ક પર પોલીસે ત્રાટકીને મોટો પર્દાફાશ કર્યો છે. સુરેન્દ્રનગર સિટી બી ડિવિઝન પોલીસની ટીમે ગુપ્ત બાતમીના આધારે જીનતાન રોડ પર આવેલી નૂતનનગર સોસાયટીના એક મકાનમાં સરપ્રાઇઝ દરોડો પાડ્યો હતો. જ્યાં ‘Metatrader5’ નામની મોબાઇલ એપ્લિકેશન અને વેબસાઇટના માધ્યમથી શેરબજારના ગેરકાયદે સોદા લગાડી લાખો રૂપિયાનો જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. ૮૬,૬૦૦, બે મોબાઇલ ફોન અને એક લેપટોપ મળી કુલ રૂ. ૧,૧૧,૬૦૦નો મુદ્દામાલ કબજે કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો છે.દરોડા દરમિયાન પોલીસે મુખ્ય સૂત્રધાર હર્ષ ઉર્ફે રિંકુ હેમેન્દ્રભાઈ શાહ સહિત શૈલેષ રમણીકલાલ શાહ, અક્ષય કિરણ દફતરી, યતીન રજનીકાંત શાહ અને રિતેશ ભરત શાહ નામના ૫ ઇસમોને રંગેહાથ ઝડપી પાડી જેલભેગા કર્યા છે. આ મામલે પોલીસ તપાસમાં રાજ્યભરમાંથી ૪૫થી વધુ નાના-મોટા બુકિઓ અને સટ્ટાખોરોના નામો ખુલતાં ખળભળાટ મચી ગયો છે. જેમાં ભાવિન ચંદુ પટેલ, રિષિત જગા શાહ, નિકેત વિપુલ શાહ, વિરલ ગોસલિયા, વૈભવ ગૌરાંગ અડાલજા, અશોક પિસ્તોલ અને ઉત્તમ જવેરી સહિતના ૪૭ જેટલા શંકાસ્પદ ઇસમોને પકડવાના બાકી દર્શાવી તેમના વિરુદ્ધ નામજોગ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી સમગ્ર સટ્ટા નેટવર્કની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!