આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નરેન્દ્ર પટેલ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆર અને ત્યારબાદ પોલીસ દ્વારા મોડી રાત્રે કરવામાં આવેલી ધરપકડના પગલે સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. વર્ષોથી પ્રજાના પ્રશ્નો અને જાહેર હિતના મુદ્દા ઉઠાવતા એક લોકપ્રતિનિધિ સામે યોગ્ય તપાસ કર્યા વિના જ એકતરફી રીતે કાયદેસરની કાર્યવાહી કરી રાતોરાત અટકાયત કરવામાં આવતાં કોંગ્રેસ છાવણીમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. કોંગ્રેસ પક્ષ દ્વારા આ કાર્યવાહીને લોકશાહી અને ન્યાય પ્રણાલી માટે ચિંતાજનક ગણાવી પોલીસની ભૂમિકા સામે ગંભીર સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે સુપ્રીમ કોર્ટની સ્પષ્ટ માર્ગદર્શિકા મુજબ ધરપકડ એ માત્ર અંતિમ વિકલ્પ હોવો જોઈએ, છતાં અહીં તમામ નિયમોની ધજીયા ઉડાડીને આકસ્મિક રીતે અટકાયત કરવામાં આવી હોવાનો સંદીપ માંગરોલાએ આક્ષેપ કર્યો છે. આ કેસમાં ઘટના સ્થળના સીસીટીવી ફૂટેજની ચકાસણી, સ્વતંત્ર સાક્ષીઓના નિવેદનો અને બંને પક્ષોની રજૂઆતો સાંભળવામાં આવી છે કે નહીં તે અંગે પણ મોટો પ્રશ્નાર્થ સર્જાયો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ આ મામલે સમગ્ર ઘટનાની પારદર્શક તપાસ કરવા, સીસીટીવી સહિતના તમામ પુરાવાઓ ચકાસીને જો ગુનો ન બનતો હોય તો તાત્કાલિક ‘C Summary Report’ દાખલ કરવા તેમજ સત્તાના દુરુપયોગ સામે કડક પગલાં ભરવાની ઉગ્ર માંગણી કરી છે. આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલાએ એક નિવેદન જાહેર કર્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com