Skip to main content

Geo Gujarat News

ભરૂચ: ચોમાસામાં જર્જરિત મકાનો ધરાશાયી થવાના ભય વચ્ચે પાલિકાની કડક કાર્યવાહી, ભયજનક ૫૫ મકાનો તોડી પાડવા બુલડોઝર ફેરવવાનું શરૂ

ભરૂચ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન જર્જરિત અને ભયજનક મકાનો ગમે ત્યારે ધરાશાયી થઈને મોટી જાનહાનિ સર્જે તેવો ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. ચોમાસા પૂર્વે નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં અત્યંત ભયજનક હાલતમાં રહેલા ૭૦ જેટલા મકાન માલિકોને પોતાની મિલકતો સ્વેચ્છાએ ઉતારી લેવા અથવા સઘન રિપેરિંગ કરાવી લેવા આકરી નોટિસો ફટકારવામાં આવી હતી. જોકે, પાલિકાની નોટિસને ઘોળીને પી ગયેલા માલિકોમાંથી માત્ર ૧૫ લોકોએ જ કાર્યવાહી કરી હતી, જ્યારે ૫૫ જેટલાં મકાનો હજુ પણ કાળમુખા બનીને ઉભાં છે. આ પરિસ્થિતિમાં નિર્દોષ નાગરિકોના જીવનું જોખમ ટાળવા માટે ભરૂચ નગરપાલિકા તંત્ર આકરા મૂડમાં આવ્યું છે અને આવા ભયજનક મકાનોને જાતે જ જમીનદોસ્ત કરવાની ઝુંબેશ હાથ ધરી છે.પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરતા રતન તળાવ પાસે પાટીદાર પંચની વાડી નજીક આવેલું અને છેલ્લા ૫ વર્ષથી નોટિસ આપવા છતાં પડતર રહેલું એક બંધ મકાન તોડી પાડવામાં આવ્યું છે, જ્યારે નવચોકીના ઓવારા પાસે માલિક વિહોણું બનેલું અન્ય એક જર્જરિત મકાન પણ ધરાશાયી કરાયું છે. અત્યાર સુધીમાં પાલિકા અને માલિકો દ્વારા મળીને કુલ ૨૩ મકાનો દૂર કરાયા છે, જેમાં ભયજનક ૫૫ પૈકી ૮ મકાનો તોડી પડાયા છે. મકાન માલિકો અને ભાડુઆતો વચ્ચેના આંતરિક વિવાદો તેમજ કેટલાક કિસ્સામાં માલિકો અજ્ઞાત હોવાના કારણે આ કામગીરી અટકી પડી હતી. જેથી ચીફ ઓફિસરની વિશેષ સત્તાનો ઉપયોગ કરી પાલિકાએ જર્જરિત મકાનો તોડી પાડવા માટે ખાસ કોન્ટ્રાક્ટ આપી દીધો છે. આ કરાર હેઠળ તોડકામ દરમિયાન નીકળતો કાટમાળ અને સામગ્રી કોન્ટ્રાક્ટર લઈ જશે જ્યારે તેનો ખર્ચ મિલકતધારક પાસેથી વસૂલવામાં આવશે. પાલિકાએ નાગરિકોને પણ અપીલ કરી છે કે આસપાસ કોઈ ભયજનક મકાન નજરે પડે તો તાત્કાલિક પાલિકા કે સ્થાનિક કાઉન્સિલરનો સંપર્ક કરી જાણ કરવી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.

error: Content is protected !!