ભરૂચ જિલ્લામાં ચોમાસા દરમિયાન નર્મદા નદીના પૂર અને જળઆપત્તિની ગંભીર પરિસ્થિતિ સામે નિપટવા તેમજ બચાવ કામગીરીને વધુ આક્રમક અને ઝડપી બનાવવા માટે ભરૂચ વહીવટી તંત્રને ૬ આધુનિક રેસ્ક્યુ બોટ અર્પણ કરવામાં આવી છે. ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ (GCPL), દહેજ દ્વારા પોતાના સીએસઆર (CSR) ફંડ હેઠળ પૂરી પાડવામાં આવેલી આ હાઇટેક બોટ્સનું સોંપણી પર્વ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે યોજાયું હતું. વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં આ બોટ્સ સત્તાવાર રીતે તંત્રને સુપ્રત કરવામાં આવી હતી. આ પ્રસંગે પ્રાંત અધિકારી મનીષા મનાણી, નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર ઓફિસર, ડિઝાસ્ટર મામલતદાર સહિત જીસીપીએલના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા.
ડિઝાસ્ટર મેનેજમેન્ટને વધુ મજબૂત બનાવવાના ભાગરૂપે પ્રાપ્ત થયેલી કુલ ૬ બોટમાંથી ૩ બોટ ભરૂચ નગરપાલિકા અને ૩ બોટ અંકલેશ્વર નગરપાલિકાને ફાળવવામાં આવી છે. ભરૂચની ટીમ ભરૂચ તરફના કાંઠા વિસ્તારોમાં અને અંકલેશ્વરની ટીમ અંકલેશ્વર તથા હાંસોટ તરફના નર્મદા કિનારે સંભવિત પૂર સમયે ફસાયેલા લોકોને ઉગારવા તૈનાત રહેશે. આ તમામ ઇન્ફ્લેટેબલ રબર બોટ ૩૦ હોર્સપાવરના શક્તિશાળી સુઝુકી એન્જિનથી સજ્જ છે, જે પ્રતિ બોટ એકસાથે ૧૦ વ્યક્તિઓને સુરક્ષિત રીતે બહાર કાઢવાની ક્ષમતા ધરાવે છે. બોટની જાળવણી અને ઓપરેશનની કમાન ફાયર બ્રિગેડ ટીમોને સોંપાઈ છે. GCPLના આ મહત્વપૂર્ણ સહયોગથી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન તંત્રની સજ્જતામાં મોટો વધારો થયો છે, જેનાથી પૂરના સમયે ભરૂચ-અંકલેશ્વરના નદીકાંઠાના રહીશોને ઝડપી અને સલામત રેસ્ક્યુ કવરેજ મળી રહેશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com