અંકલેશ્વર GIDC વિસ્તારમાં આવેલી જાણીતી ડાયસ્ટાર કંપનીના સિનિયર ઓફિસર અતુલ બાંભરોલીયા સાથે તેમની જ કંપનીના કર્મચારી દંપતીએ વિશ્વાસઘાત કરી ₹૫૬.૪૧ લાખની માતબર રકમની છેતરપિંડી આચરતાં ભારે ચકચાર મચી ગઈ છે. સૂર્યદીપ સોસાયટીમાં રહેતા અતુલભાઈની કંપનીના જ કર્મચારી અને કોસમડી ખાતે રહેતા ભાવિન ભરત ત્રિવેદી તેમજ તેની પત્ની અંકિતાએ વર્ષ ૨૦૨૪માં એક યોજના હેઠળ ગ્રીન માઈન્ડ કન્સલ્ટ, ભાવના જેનિટી અને ડેરી ફાર્મ ચલાવતા હોવાનું જણાવી શરૂઆતમાં અધિકારીના નામે ₹૧૦ લાખની લોન મેળવી તેના હપ્તા નિયમિત ભરીને અંધવિશ્વાસ કેળવ્યો હતો.
ત્યારબાદ શાતિર ભાવિને અતુલભાઈને ડેરી ફાર્મમાં મોટો લાભ અને ભાગીદારી આપવાની લાલચ આપીને તમામ હપ્તા પોતે જ ભરવાની ખાતરી આપી હતી. આ બહાને દંપતીએ અલગ-અલગ બેંકોમાંથી અધિકારીના નામે વધુ ₹૫૬.૩૩ લાખની હોપલેસ લોન કરાવી આ રકમ પોતાના અંગત ખાતામાં ટ્રાન્સફર કરી લીધી હતી, સાથે જ તેમના ક્રેડિટ કાર્ડનો પણ ગેરકાયદેસર દુરુપયોગ કર્યો હતો. સમય જતાં લોનના હપ્તા ભરાવાના બંધ થઈ જતાં અને રોકાણનું વળતર કે મૂળ મૂડી પરત ન મળતાં પોતાની સાથે માતબર રકમની છેતરપિંડી થઈ હોવાની ગંધ અતુલભાઈને આવી ગઈ હતી. આ મામલે પીડિત અધિકારીએ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ગુનેગાર ભાવિન ત્રિવેદી અને તેની પત્ની અંકિતા ત્રિવેદી વિરુદ્ધ ગુનો નોંધાવતાં પોલીસે વિશ્વાસઘાત અને ઠગાઈની કલમો હેઠળ કાયદાકીય તપાસ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com