શનિવારે મોડી રાત્રે મહારાષ્ટ્રના નાશિકમાં સર્જાયેલા ભૂકંપના આંચકાની સીધી ભયાનક અસર છેક દક્ષિણ ગુજરાત સુધી વર્તાતાં સમગ્ર અંકલેશ્વર-ભરૂચથી લઈને ડાંગ-નવસારી પંથકમાં મોટો ફફડાટ ફેલાઈ ગયો હતો. રાત્રે બરાબર ૧૦:૧૦ વાગ્યે મહારાષ્ટ્ર સરહદે આવેલા સાપુતારાથી માત્ર ૧૪ કિલોમીટર દૂર દક્ષિણ-પશ્ચિમ દિશામાં કેન્દ્રબિંદુ ધરાવતો ૪.૩ ની તીવ્રતાનો ભૂકંપ ત્રાટક્યો હતો. મહારાષ્ટ્રના નાશિક શહેરના ઇન્દિરાનગર, પંચવટી, હીરાવાડી અને પાથર્ડી પાડા જેવા વિસ્તારોમાં લોકોના ઘરોમાં વાસણો નીચે પટકાવા લાગતાં ભારે અફરાતફરી સર્જાઈ હતી. આ આંચકાની પ્રચંડ અસરથી પાડોશી રાજ્ય ગુજરાતના સુપ્રસિદ્ધ હિલ સ્ટેશન સાપુતારા, સમગ્ર ડાંગ જિલ્લો તેમજ નવસારીના વાંસદા ટાઉન અને ડેમ કાંઠાના ગામડાઓમાં પણ ૩.૬ ની તીવ્રતાની ધ્રુજારી અનુભવાઈ હતી.
અચાનક શનિવારની મોડી રાત્રે જમીન અને મકાનો કંપવા લાગતાં ભયભીત બનેલા રહીશો પોતપોતાના ઘરોમાંથી ખુલ્લા મેદાનો અને રસ્તા પર દોડી આવ્યા હતા. સિસ્મોલોજી વિભાગ અને ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રની સત્તાવાર માહિતી અનુસાર, ભૂકંપનું મુખ્ય એપીસેન્ટર મહારાષ્ટ્ર બોર્ડર નજીક જમીનમાં સ્થિત હતું. જોકે, દક્ષિણ ગુજરાત અને નાશિક જિલ્લા વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે ભૂકંપની તીવ્રતા મધ્યમ કક્ષાની હોવાથી જાનમાલનું કોઈ મોટું નુકસાન નોંધાયું નથી, જેથી નાગરિકોએ અફવાઓથી દૂર રહી શાંતિ જાળવવી. આમ છતાં, અચાનક આવેલી આ કુદરતી આફતે સ્થાનિક પ્રજા અને તંત્ર બંનેમાં થોડા સમય માટે ભારે દોડધામ મચાવી દીધી હતી
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com