આમોદ: વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આમોદ ખાતે આદિવાસી સંગઠનના પ્રમુખ નટવરભાઈ રાઠોડની આગેવાનીમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતેથી ડી.જે. તેમજ પરંપરાગત ઢોલ-નગારાના તાલે નીકળેલી વિશાળ રેલીમાં આમોદ શહેર અને તાલુકાના મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રેલીમાં આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ હાથમાં તીર-કામઠાં સાથે જોડાયા હતા, જ્યારે આદિવાસી ગીતોના તાલે યુવાનો તેમજ ભાઈ-બહેનો ઝૂમી ઊઠ્યા હતા.
રેલી દરમિયાન “જય જોહાર… જય આદિવાસી” અને ભગવાન બિરસા મુંડાના જયઘોષથી સમગ્ર આમોદ શહેર ગુંજી ઉઠ્યું હતું. શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થયેલી રેલીમાં આદિવાસી સમાજની આગવી પરંપરા, જીવનશૈલી, સંસ્કૃતિ, એકતા અને અસ્મિતાની સુંદર ઝલક જોવા મળી હતી. રેલીમાં આમોદ-જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે. સ્વામી તેમજ શહેર અને તાલુકા ભાજપના હોદ્દેદારો અને પદાધિકારીઓ પણ જોડાયા હતા.
વિશાળ રેલી આમોદ ચોકડી ખાતે પહોંચતા ધારાસભ્ય ડી.કે. સ્વામીની ગ્રાન્ટમાંથી રૂપિયા 5 લાખના ખર્ચે તૈયાર કરાયેલા પીક અપ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસના અવસરે આ પીક અપ સ્ટેન્ડનું નામકરણ ‘ભગવાન બિરસા મુંડા પીક અપ સ્ટેન્ડ’ તરીકે કરવામાં આવ્યું હતું. ભગવાન બિરસા મુંડાના નામે પીક અપ સ્ટેન્ડનું નામકરણ થતાં આદિવાસી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી જોવા મળી હતી. ધારાસભ્ય ડી.કે. સ્વામીએ જણાવ્યું હતું કે, લાંબા સમયથી ચાલી આવતી પીક અપ સ્ટેન્ડની માંગણી આજે પૂર્ણ થઈ છે. આ સ્ટેન્ડ આદિવાસી સમાજ માટે ગૌરવની બાબત બનવાની સાથે આમોદના નાગરિકો માટે પણ ઉપયોગી સાબિત થશે.
લોકાર્પણ બાદ રેલી આગળ પ્રસ્થાન કરી બિરસા મુંડા સર્કલ ખાતે પહોંચી હતી, જ્યાં ધારાસભ્ય ડી.કે. સ્વામીએ ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કર્યો હતો. આ પ્રસંગે ડી.કે. સ્વામીએ આદિવાસી સમાજમાં વ્યાપેલા વિવિધ પ્રકારના વ્યસનોને દૂર કરવા સૌને સાથે મળીને પ્રયાસ કરવા અપીલ કરી હતી તેમજ આદિવાસી સમાજના ભાઈ-બહેનો વધુને વધુ શિક્ષણ મેળવી જીવનમાં આગળ વધે અને સમાજ તથા દેશની પ્રગતિમાં મહત્વનું યોગદાન આપે તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી.
રેલીની બિરસા મુંડા સર્કલ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આમોદ પી.આઈ. કરમતિયાની આગેવાની હેઠળ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમગ્ર રેલીના રૂટ પર સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.
આદિવાસી સંગઠનના તાલુકા પ્રમુખ નટવરભાઈ રાઠોડે વિશ્વ આદિવાસી દિવસની રેલીને સફળ બનાવવા માટે સહયોગ આપનાર ધારાસભ્ય ડી.કે. સ્વામી, પોલીસ તંત્ર, પાલિકા તંત્ર તેમજ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયેલા આદિવાસી સમાજના ભાઈ-બહેનો સહિત તમામનો આભાર વ્યક્ત કર્યો હતો. આમોદમાં આદિવાસી સમાજ પોતાની આગવી પરંપરા, જીવનશૈલી અને સંસ્કૃતિને ઉજાગર કરતો વિશ્વ આદિવાસી દિવસ ધામધૂમથી ઉજવ્યો હતો. સમગ્ર ઉજવણી દરમિયાન આદિવાસી સમાજની એકતા, સંસ્કૃતિ અને અસ્મિતાની ભવ્ય ઝલક જોવા મળી હતી.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023