ભરૂચ જિલ્લામાં ચોમાસાની સિઝનનું આગમન થતાં જ નર્મદા કાંઠાના માછીમારો માટે આખા વર્ષની સૌથી કમાઉ અને આજીવિકા સમાન માછીમારી સીઝનનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન દરિયાના ખારા પાણીમાંથી અત્યંત કિંમતી ગણાતી ‘હિલ્સા’ માછલીઓ ઈંડા મૂકવાના હેતુસર ભરૂચ પાસેથી પસાર થતી નર્મદા નદીના મીઠા પાણી તરફ હિજરત કરે છે. આ કુદરતી પ્રક્રિયાનો લાભ લેવા ભાડભૂત સહિતના સમગ્ર કાંઠા વિસ્તારના માછીમારો પોતાની નાવડીઓ લઈને નર્મદા અને દરિયાના સંગમ સ્થાન તરફ રવાના થઈ ગયા છે. દશમ-અગિયારસથી પૂનમ-પડવા સુધીનો સમયગાળો માછીમારી માટે શ્રેષ્ઠ ગણાતો હોવાથી, માછીમારો આ ગોલ્ડન પિરિયડ દરમિયાન રાત-દિવસ એક કરીને હિલ્સા માછલી પકડવાની મથામણ કરી રહ્યા છે.
હિલ્સા માછલીના શિકાર માટે માછીમારો સળંગ ૩ થી ૪ દિવસ સુધી કિનારે આવ્યા વિના નદી અને દરિયાના મધ્યમાં જ પોતાની નાવડીઓ લંગારીને પડ્યા રહે છે. નાવડીની અંદર જ રાંધવા, જમવા, સૂવા અને ન્હાવા-ધોવા સહિતની તમામ કઠિન વ્યવસ્થાઓ વચ્ચે તેઓ સતત જાળ નાખીને માછીમારી કરે છે. ચોમાસાના આ ૪ મહિના દરમિયાન થતી કમાણી પર જ માછીમારો આખા વર્ષના પરિવારનું ગુજરાન, બાળકોના અભ્યાસ અને લગ્નપ્રસંગો જેવા મોટા આર્થિક ખર્ચાઓનો આધાર રાખતા હોય છે. ભાડભૂતના સામાજિક આગેવાન કમલેશભાઈના જણાવ્યા અનુસાર, ગત જૂવારમાં હિલ્સાનો સારો ફાલ મળ્યા બાદ આ વખતે પણ વિપુલ પ્રમાણમાં માછલીઓ મળવાની મોટી આશા સેવાઈ રહી છે, જેનાથી કાંઠાના સેંકડો માછીમાર પરિવારોને વર્ષભરની આર્થિક સુખ-શાંતિ મળી રહેશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com