કંપનીના ગેસથી ખેતરો બરબાદ? સારણ ગામના ખેડૂતોનો કલેક્ટર સમક્ષ આક્રોશ: વાગરા તાલુકાના સારણ ગામના ખેડૂતો દ્વારા GIDC ની હેમાની કોપર, જી.એસ.પી. અને નીલકંઠ એન્વાયરો સામે ગંભીર આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે કંપનીઓમાંથી નીકળતા પ્રદૂષિત ગેસના કારણે ખેતરોમાં ઉભા પાક તેમજ મોટા વૃક્ષોને નુકસાન થઈ રહ્યું છે. અને ખેતી આધારિત પરિવારોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. રજૂઆતમાં ખેડૂતો દ્વારા જણાવાયું છે કે સારણ ગામના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના કઠોળ પાકો ઉપરાંત લીમડા, સમડી સહિતના મોટા વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે. ખેડૂતોનો સીધો આક્ષેપ છે કે કંપનીમાંથી નીકળતા ગેસના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. ખેતી જ રોજગારી અને જીવનનિર્વાહનો મુખ્ય આધાર હોવાથી પાકને નુકસાન પહોંચતા ખેડૂતો સામે આર્થિક સંકટ ઊભું થયું છે. ખેડૂતોએ રજૂઆતમાં એવો પણ દાવો કર્યો છે કે ગત વર્ષે કંપનીનું પ્રોડક્શન ચાલુ હતું. ત્યારે નુકસાન થયું હતું, જ્યારે કંપની બંધ હતી. ત્યારે આ પ્રકારનું નુકસાન જોવા મળ્યું ન હોતું. આથી ખેડૂતો દ્વારા કંપનીની કામગીરી અને ખેતરોમાં થઈ રહેલા નુકસાન વચ્ચે સીધો સંબંધ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
કંપની ચાલુ તો નુકસાન ચાલુ! ખેડૂતોની તંત્ર સમક્ષ ગંભીર રજૂઆત: મામલો આટલેજ અટકતો નથી. ખેડૂતોના જણાવ્યા મુજબ મામલતદાર કચેરી દ્વારા જી.પી.સી.બી.ના અધિકારીઓને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. જી.પી.સી.બી.ની ટીમ કંપની ખાતે આવી તપાસ પણ કરી ગઈ હોવાનું ખેડૂતોનું કહેવું છે, પરંતુ ખેડૂતોને તપાસમાં શું બહાર આવ્યું તેની કોઈ જાણ કરવામાં આવી નથી. આ મુદ્દે ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ખેડૂતોએ કલેક્ટરને સ્પષ્ટ શબ્દોમાં રજૂઆત કરી છે કે જો ફરી કંપનીનું પ્રોડક્શન શરૂ થશે તો તેમને વધુ નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતોએ વળતરની પણ માંગ કરી હતી. સાથે જ ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈ પ્રદૂષણની તાત્કાલિક અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તથા જવાબદાર કંપની સામે કડક કાર્યવાહી કરી પ્રદૂષણ ફેલાવતી કામગીરી બંધ કરાવવામાં આવે, તેવી માંગ કરવામાં આવી છે. હવે સવાલ એ છે કે ખેડૂતોના ખેતરો અને પાકને નુકસાન થતું હોવાના આક્ષેપો વચ્ચે તંત્ર ક્યારે જાગશે? જી.પી.સી.બી.ની તપાસનું પરિણામ શું આવ્યું? અને જો ખરેખર પ્રદૂષણથી ખેડૂતોને નુકસાન થયું હોય તો જવાબદારી કોની નક્કી થશે? ખેડૂતોની આ રજૂઆત બાદ જિલ્લા તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર છે.
પ્રદૂષણના આક્ષેપોથી ખેડૂતોમાં રોષ! સારણ ગામના ખેડૂતોની હેમાની કંપની સામે ફરી રજૂઆત, મામલતદાર સમક્ષ પણ કરી હતી ફરિયાદ: ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યા અંગે અગાઉ પણ તેઓ એકત્ર થઈ હેમાની કંપની ખાતે પહોંચ્યા હતા. અને કંપનીના જવાબદાર તંત્ર સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી હતી. ત્યારબાદ ખેડૂતો દ્વારા મામલતદાર સમક્ષ પણ લેખિત રજૂઆત કરી પ્રદૂષણની તપાસ કરાવી ખેડૂતોને થતા નુકસાન અંગે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. હવે ખેડૂતો દ્વારા જિલ્લા તંત્ર સમક્ષ ફરી રજૂઆત કરી પ્રદૂષણની નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા તેમજ ખેડૂતોને વધુ નુકસાન ન થાય તે માટે કંપનીની કામગીરી અંગે યોગ્ય નિર્ણય લેવા માંગ કરવામાં આવી છે. ખેડૂતોનો સ્પષ્ટ સવાલ છે કે વારંવાર રજૂઆતો છતાં જો તેમની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ પોતાની ખેતી અને પર્યાવરણના રક્ષણ માટે આગામી દિવસોમાં વધુ ઉગ્ર પગલાં ભરવા મજબૂર થશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com